<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

પીએમ મોદી ફરી 24 અને 25 ઓગસ્ટે ગુજરાતમાં આવશે: વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે

વડનગરમાં નિર્માણાધીન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે: બેચરાજી નજીક આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લઈ શકે: ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે:અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક કરશે

અમદાવાદ : વડાપ્રધાન મોદી આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના વતન વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે, જ્યારે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.

મળતી વિગતો મુજબ તેઓ પોતાની આ બે દિવસની મુલાકાત દરમિયાન વડનગરમાં નિર્માણાધીન મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ વડનગરના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેનાથી પ્રદેશમાં પરિવહન સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે. આ ઉપરાંત, બેચરાજી નજીક આવેલા સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લઈ શકે છે. અહીં કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના ઉત્પાદન યુનિટનું ઉદ્ઘાટન પણ તેમના હસ્તે થાય તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદી 24 ઓગસ્ટના રોજ બપોર પછી અમદાવાદ પહોંચશે અને ગાંધીનગર સ્થિત રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન, તેઓ ગુજરાત સરકારના અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ સાથે બેઠક કરે તેવી શક્યતા છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પણ કોઈ કાર્યક્રમ યોજાઈ શકે છે.

(7:13 PM IST)