તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 13th August 2025
દાહોદમાં સાંસદની શાળા પર LC કઢાવવા પૈસા માગવાનો આક્ષેપ
શિક્ષકે વિદ્યાર્થીના દાવાને ફગાવ્યોઃવિદ્યાર્થીના જણાવ્યા મુજબ શાળા દ્વારા LC આપવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી

દાહોદ, તા.૧૩:દાહોદ જિલ્લામાં આવેલી સાંસદ જશવંતસિંહ ભાભોરની K.J. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ ફરી એકવાર વિવાદમાં આવી હતી. જ્યાં શાળા પર વિદ્યાર્થી પાસેથી લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે પૈસા માગવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે એક વિડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આક્ષેપ કરનાર વિદ્યાર્થીના જણાવ્યા મુજબ શાળા દ્વારા LC આપવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી.
જોકે આ મામલે શાળાના શિક્ષકોએ સ્પષ્ટતા આપી હતી અને વિદ્યાર્થીના આક્ષેપોને ફગાવી દીધા હતા. શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ બે મહિના બાદ તેણે શાળામાંથી પોતાનું નામ કમી કરાવવા માટે અરજી કરી હતી. તે ઉપરાંત શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે અમે વિદ્યાર્થી પાસેથી માત્ર બે મહિનાની સત્ર ફી જ લીધી છે. LC કઢાવવા માટે કોઈ વધારાના પૈસાની માગણી કરી નથી.વિદ્યાર્થીને આ બાબતની જાણ હતી અને તેણે તે મુજબ જ ફી ભરી હતી. LC આપવા માટે કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી. શિક્ષકે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આક્ષેપો પાયાવિહોણા છે અને કોઈ ગેરસમજને કારણે આ વિડિયો બનાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ લીમખેડા શાળાના આ મામલે વાયરલ થયેલા વિડિયોએ શિક્ષણ જગતમાં ગરમાવો લાવી દીધો હતો. જોકે શાળાના શિક્ષકની પ્રતિક્રિયા બાદ પરિસ્થિતિ થોડી સ્પષ્ટ થઈ છે. પરંતુ આ ઘટનાથી શાળાની પ્રતિષ્ઠા પર સવાલો ઊભા થયા હતા.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
