<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં વધારો :વસ્તી ગણતરીમાં કુલ 442 મગરો નોંધાયા

અકોટાથી દેણા સુધીના 11 કિલોમીટરના પટમાં 220 મગરો જોવાયા જે 20 વર્ષ પહેલાં આટલી સંખ્યા 23 કિલોમીટરના સમગ્ર પટમાં હતી

 વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટ બાદ પાણી સાથે મગરો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. છ મહિના પહેલાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા પાલિકાના સહયોગથી કરવામાં આવેલી મગરોની વસ્તી ગણતરીમાં કુલ 442 મગરો નોંધાયા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં જ વિશ્વામિત્રીમાં 167 મગરોનો વધારો થયો છે. ખાસ કરીને, અકોટાથી દેણા સુધીના 11 કિલોમીટરના પટમાં 220 મગરો જોવા મળ્યા છે, જ્યારે 20 વર્ષ પહેલાં આટલી સંખ્યા 23 કિલોમીટરના સમગ્ર પટમાં હતી.

 

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને તજજ્ઞ કાર્તિક ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, મગરોની સંખ્યામાં આટલા ઝડપી વધારા પાછળ કેટલાંક મુખ્ય કારણો છે. વડોદરાના વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત માંજલપુરના બે તળાવો અને ભીમતળાવ વોટરબોડી નાખવામાં આવ્યા છે, જ્યાં અગાઉ મગરો રહેતા હતા. આ કારણે મગરો સીધા વિશ્વામિત્રી નદીમાં આવી ગયા છે. આ ઉપરાંત, વડોદરા નજીક નર્મદા કેનાલ અને વિશ્વામિત્રી નદી એકબીજાની નજીક હોવાથી નર્મદા કેનાલના મગરો પણ વિશ્વામિત્રીમાં પ્રવેશી રહ્યા છે. અકોટા અને દેણા વચ્ચે મગરોની સંખ્યામાં થયેલા આ વધારાનો અનુભવ થોડા દિવસો પહેલાં એક વૃદ્ધાને શોધવા ગયેલી ફાયરબ્રિગેડની ટીમને પણ થયો હતો.

 

સરીસૃપ તજજ્ઞ રાજુ વ્યાસ આ ગણતરીની પદ્ધતિ પર પ્રકાશ પાડતા કહે છે કે મગરોની ગણતરી કયા સમયે થઈ છે (સવારે, રાત્રે કે બંને સમયે) તે મહત્વનું છે. ગણતરીના આંકડા પર પૂરની સ્થિતિ, તાપમાન, નદીમાં પાણીનું સ્તર અને નજીકના વિસ્તારમાં મગર માટેની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પણ અસર કરી શકે છે. ભૂતકાળમાં વિશ્વામિત્રીમાં મગરોની ગણતરી દેણાથી વડસર સુધી થતી હતી, જ્યારે હવે તેનો વ્યાપ તલસટ સુધી છે, જે પણ સંખ્યા પર અસર કરે છે. આ વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે પહેલાં મગરોને પકડીને તેમની પૂંછડી પર કાપો મૂકી નંબર ટેગિંગ કરાતું હતું, જેથી એક મગરની ગણતરી બે વાર ન થાય. કેટલાક કિસ્સામાં એક જ મગર 10 વર્ષ પછી પણ જુદા અંતરે ફરી પકડાયાના બનાવો નોંધાયા છે.

(11:18 AM IST)