News of Thursday, 14th August 2025
જન્માષ્ટમીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા 1200 વધારાની બસો દોડાવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બે લાખથી વધુ મુસાફરોને લાભ થશે : અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના મોટા શહેરો અને તીર્થધામોને જોડતી બસોનું આયોજન

ગાંધીનગર : પવિત્ર શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના નાગરિકો સરળતાથી પોતાના વતન જઈને પરિવાર સાથે ઉજવણી કરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (ST નિગમ) દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ST નિગમ દ્વારા રાજ્યભરમાં જુદા જુદા શહેરોને જોડતી 1200થી વધુ વધારાની બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો અંદાજે બે લાખથી વધુ મુસાફરો લાભ લઈ શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, ST નિગમ વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો અને મેળાઓમાં નાગરિકોને મુસાફરીમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરે છે. નિગમ દ્વારા આયોજિત આ વધારાની ટ્રીપો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા મોટા શહેરી વિસ્તારોમાં મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ડાકોર, દ્વારકા અને શામળાજી જેવાં મહત્વના તીર્થધામો અને અન્ય જિલ્લા-તાલુકા કક્ષાના સ્થળોએ પણ જરૂરિયાત મુજબ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જન્માષ્ટમીના તહેવારમાં 1000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે નાગરિકોની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંખ્યા વધારીને 1200 કરવામાં આવી છે, જે મુસાફરો માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
