<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

79મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાજોગ સંદેશ - 'વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે 'વિકસિત ભારત 2047'નું નિર્માણ

આઝાદીના અમૃતકાળમાં ગુજરાત@75ને વૈશ્વિક ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર : 'ઓપરેશન સિંદૂર'થી આતંકવાદ સામે મક્કમતા : 'હર ઘર તિરંગા'થી રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવી

ગાંધીનગર: દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને 'રાષ્ટ્રહિત પ્રથમ'નો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું કે આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યું છે.
મુખ્યમંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રપુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને વંદન કર્યા હતા. તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈની લીડરશિપમાં 'ઓપરેશન સિંદૂર' જેવી સફળતા દ્વારા દુનિયાને સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે કે દેશની સુરક્ષા સામે કોઈ કાંકરીચાળો ચલાવી લેવાશે નહીં. નરેન્દ્રભાઈની પ્રેરણાથી 'હર ઘર તિરંગા' અભિયાન દ્વારા ગુજરાતમાં ગામે-ગામ રાષ્ટ્રહિતનો ભાવ પ્રબળ બન્યો છે.
આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વને વિશેષ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે 1960માં અસ્તિત્વમાં આવેલા ગુજરાતના 75 વર્ષ 2035માં પૂર્ણ થશે. નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જે વિકાસની ઇમારત રચી છે, તેને 'ગુજરાત@75'માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ છે. તેમણે 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવા માટે 'વિકસિત ગુજરાત 2047'નો રોડમેપ તૈયાર કરવાની પણ વાત કરી.
ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે સરકારે 'આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર' પર ધ્યાન કેન્દ્રિત કરીને છેવાડાના માનવી સુધી 100 ટકા યોજનાઓના લાભ પહોંચાડ્યા છે. 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' જેવી યોજનાઓ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન, જ્યારે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના' દ્વારા બાળકોના પોષણની ચિંતા કરવામાં આવી છે.
વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ અગ્રતા આપવાની વાત કરતા તેમણે કચ્છમાં બની રહેલા 37 ગીગાવોટના વિશ્વના સૌથી મોટા સોલાર-વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્ક અને 'પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના'માં ગુજરાતની અગ્રેસરતા પર પ્રકાશ પાડ્યો હતો. અંતમાં તેમણે સૌને 79મા સ્વાતંત્ર્ય પર્વે 'વિકસિત ભારત 2047' માટે 'વિકસિત ગુજરાત'ના નિર્માણમાં તન, મન અને ધનથી સમર્પિત રહેવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું.

 

(4:08 PM IST)