<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

79મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી : પોરબંદરના કીર્તિ મંદિરે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી

આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, 'હર ઘર તિરંગા' સેલ્ફી પોઈન્ટ પર ફોટો પણ પડાવ્યો

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: રાજ્યકક્ષાના 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરે જઈને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ મહાનુભાવોએ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિર ખાતે ખાસ ઊભા કરાયેલા 'હર ઘર તિરંગા' સેલ્ફી પોઈન્ટ પર ફોટો પણ પડાવ્યો હતો. આ તકે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિત અનેક અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે પણ મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીજીના વિચારો અને આદર્શોને યાદ કરીને તેમના બલિદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું.

 

(8:37 PM IST)