News of Thursday, 14th August 2025
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ: સરકારની સ્પષ્ટતા છતાં ધરમપુરમાં મહારેલી
સાંસદ ધવલ પટેલે કહ્યું - સરકારે આ પ્રોજેક્ટને અટકાવી દીધો છે:તેમણે કોંગ્રેસ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર આક્ષેપ કર્યો કે તેઓ રાજકીય લાભ અને કોંગ્રેસને બચાવવા માટે આ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

વલસાડ: પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ દક્ષિણ ગુજરાતમાં વધુ તીવ્ર બન્યો છે. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કર્યાની જાહેરાત કરી હોવા છતાં, આજે વલસાડના ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતા અને સરકારને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ કરવાનો શ્વેતપત્ર બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
ગઈકાલે જ વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકારની લેખિત સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે આ પ્રોજેક્ટને અટકાવી દીધો છે. સાથે જ તેમણે કોંગ્રેસ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ રાજકીય લાભ અને કોંગ્રેસને બચાવવા માટે આ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
સરકારની આ સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં મહારેલી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, આદિવાસી નેતા અનંત પટેલ અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના પ્રમુખ વિક્રાંત ભૂરિયા સહિત અનેક આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આ પ્રોજેક્ટને કોઈપણ ભોગે આગળ વધવા નહીં દેવાની પ્રતિજ્ઞા લીધી હતી
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી સરકાર શ્વેતપત્ર બહાર પાડીને પ્રોજેક્ટને કાયમ માટે રદ નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તેમણે જરૂર પડ્યે વિધાનસભા અને લોકસભાનો પણ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સાથે જ, આગામી દિવસોમાં ડાંગમાં પણ આ જ મુદ્દે બીજી રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાઓ જોતાં, આગામી સમયમાં પણ આ રિવર લિંક પ્રોજેક્ટનો મુદ્દો વધુ ગરમાય તેવું લાગી રહ્યું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
