<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અમદાવાદમાં ડિમોલિશન સમયે મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

જશોદાનગરમાં પોલીસ કાફલો તૈનાતઃલોકોના કહેવા મુજબ એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો પરંતુ તેમણે અમારું કાંઇ સાંભળ્યું નહીં

અમદાવાદ, તા.૧૪

શહેરના જશોદાનગર વિસ્તારમાં આજે સવારે ડિમોલિશન સમયે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ બાદ ગંભીરરીતે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તો બીજી બાજુ આ ઘટના બાદ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઇને એએમસીની ડિમોલિશનની ટીમ પર હુમલો કર્યો છે. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ મળતી માહિતી પ્રમાણ, નર્મદાબહેન રમેશભાઇ કુમાવતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તેઓનું ૮૬ ટકા શરીર બળી ગયું છે. મહિલાને હાલ એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પતિ રમેશભાઇ તેમને બચાવવા જતા તેઓ પણ દાઝ્યા છે.

આત્મવિલોપન કરનાર મહિલાના પતિ રમેશભાઈ કુમાવતે આ અંગે જણાવ્યુ છે કે, એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો પરંતુ તેમણે અમારું કાંઇ સાંભળ્યું નહીં. એમને તોડવાનું ચાલુ જ રાખ્યું અમને આગળથી કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ આવીને તોડવાનું ચાલુ જ કરી દીધું. અમને લેખિતમાં કાંઇ આપ્યું નથી. એટલે અમે કહ્યું કે, અમને થોડો સમય આપો તો સામાન કાઢી લઈએ. પરંતુ તેમણે કહ્યુ કે, અમે બાર મહિના પહેલા પણ આવીને તમને રહી ગયા હતા. આ લોકો આવ્યા ત્યારે પોલીસ બંદોબસ્ત જેવું પણ કાંઈ હતુ જ નહીં.

આ ઘટના સમયે ત્યાં હાજર એક સ્થાનિકે અમારી ટીમ સાથે વાત કરતા જણાવ્યુ છે કે, આ દુકાન છે ત્યાં એએમસીની ટીમ ડિમોલિશન કરવા માટે આવી હતી. આ ડિમોલિશન દરમિયના આ દુકાનદાર અને તેમના પત્નીએ રડી કગરીને વિનંતી કરી છે. આટલું જ નહીં આત્મવિલોપનની ચીમકી આપી, કેરોસીન લીધું શરીર પર છાંટ્યું અને દિવાસળી લે છે તો પણ એએમસીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેના પરિણામે એ બેન હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. અહીં જે પણ અધિકારીઓ આવ્યા હતા તે તમામ પર ફરિયાદ દાખલ થાય તેવી અમારી માંગણી છે.

જશોદાનગરના એક વેપારીની દુકાન પર બુલડોઝર ફેરવવા મામલે ત્યાંના વેપારીઓ રોષે ભરાયા છે. વેપારીઓએ જશોદાનગરમાં બંધ કરાવાયો છે. બેનરો સાથે એએમસી વિરુધ સુત્રોચ્ચાર કરી રહ્યા છે. જોકે, અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

(9:25 PM IST)