<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 75મું અંગદાનઃ મહારાષ્ટ્રના બ્રેઈન ડેડ યુવકની કિડની અને લીવરના અંગદાનથી 3 દર્દીને નવજીવન મળશે

મૂળ મહારાષ્ટ્રના પાલઘરના બ્રેઈનડેડ 37 વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના અંગોનું અંગદાન થયું

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. મૂળ મહારાષ્ટ્રના પાલઘરના બ્રેઈનડેડ 37 વર્ષીય દિપક લક્ષ્મણભાઈ ઠાકરેના અંગોનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 75મુ અંગદાન થયું છે.

મહારાષ્ટ્રના પાલઘરના માહિમ રોડ બજાર ખાતે પરિવાર સાથે રહેતા દિપકભાઈ લક્ષ્મણભાઈ ઠાકરે તા.9મી ઓગસ્ટના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રેલીમાં નાચતા-નાચતા ચક્કર આવતા પડી ગયા હતાં અને માથાના ભાગે ઈજા થવાથી પરિવારજનો પાલઘરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

માથામાં ગંભીર ઈજા હોવાથી સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા ત્યાંથી મહારાષ્ટ્રની પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ 108 ઈમરજન્સી દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તબિયત બગડતા વધુ સારવાર અર્થે તા.10મી ઓગસ્ટના રોજ વહેલી સવારે 108 સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICU માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

તા.13મી ઓગસ્ટે વહેલી સવારે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ દિપકભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સોટોની ટીમના ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, કાઉન્સેલર નિર્મલા કાથુડે દિપકભાઈના પત્ની અને ભાઈ સહિત પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું.

પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. ઠાકરે પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી.

(9:32 PM IST)