<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પોરબંદરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાના કાર્યક્રમમાં અધિકારીઓની બેદરકારી ખુલ્લી પડી : કરોડોના ખર્ચ છતાં 90% બેઠકો ખાલી રહી! : જુઓ વિડીયો

મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરી હોવા છતાં પ્રચાર-પ્રસારના અભાવ અને સ્થાનિક નેતાઓ-અધિકારીઓ વચ્ચેના તાલમેલના કારણે કાર્યક્રમ નિષ્ફળ ગયો? : આવતીકાલના મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમની સફળતા પર સવાલો!

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે યોજાયેલા સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે હજારો લોકો બેસી શકે તેવી ભવ્ય વ્યવસ્થા અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કાર્યક્રમમાં 90 ટકા બેઠકો ખાલી રહી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રી જેવી ગણમાન્ય વ્યક્તિઓની હાજરી હોવા છતાં, કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર યોગ્ય રીતે ન થયો હોવાથી સામાન્ય જનતાની હાજરી નહીંવત રહી હતી.
એક મહિનાથી ચાલી રહેલી તૈયારીઓ છતાં અધિકારીઓ અને સ્થાનિક રાજકીય આગેવાનો વચ્ચે તાલમેલના અભાવને કારણે આ કાર્યક્રમ નિષ્ફળ ગયો હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું. આ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને મોટી સંખ્યામાં સામેલ કરવાનો ઉત્સાહ હોવા છતાં, તેના અમલીકરણમાં અણઆવડત જોવા મળી હતી, જેના કારણે મોટાભાગનો ડોમ ખાલીખમ રહ્યો હતો.
આ નિષ્ફળતા બાદ હવે આવતીકાલે, 15મી ઓગસ્ટના રોજ યોજાનાર મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમની સફળતા પર સવાલો ઊભા થયા છે. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન, સુરક્ષા એજન્સીઓનું પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા માટે હજારો લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, આજે જોવા મળેલી અણઆવડત અને સૂઝબૂઝના અભાવને કારણે આવતીકાલના કાર્યક્રમમાં પણ લોકોની પાંખી હાજરી રહેશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.

 

(10:11 PM IST)