<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પાકિસ્તાની મહોલ્લા બની ગયું હિન્દુસ્તાની મહોલ્લા

આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ સુરતને મોટી ભેટઃસુરતમાં વર્ષો જૂની માંગણીનો થયો સ્વીકાર : સમિતિએ ઠરાવ પસાર કરીને નામ બદલવાનો નિર્ણય લીધો હતો

સુરત, તા.૧૪

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલો એક જૂનો રહેણાંક વિસ્તાર આવેલો છે. જે અત્યાર સુધી પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો, પણ તેનું નામ હવે સત્તાવાર રીતે બદલીને હિન્દુસ્તાની મહોલ્લા કરી દેવામાં આવ્યું છે. આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી સ્થાનિકોમાં આનંદ અને ગર્વની લાગણી જોવા મળી રહી છે.

વર્ષો પહેલા દેશના ભાગલા પડ્યા ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પાકિસ્તાનથી સુરતના રામનગર વિસ્તારમાં સ્થાયી થયા હતા. આ વિસ્તારને ત્યારે પાકિસ્તાની મહોલ્લા' નામ આપવામાં આવ્યું હતું, જે આજ સુધી ચાલતું આવ્યું હતું. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકો ઘણા સમયથી આ નામ બદલવાની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે ભારતમાં રહીને પોતાના વિસ્તારને પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાવવામાં તેમને શરમ અને અકળામણ થતી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ તેમને પૂછતું કે તેઓ ક્યાં રહે છે અને તેઓ પાકિસ્તાની મહોલ્લા નામ લેતા, ત્યારે સાંભળનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતો અને તેમને પણ નિરાશા થતી. તેઓ માનતા હતા કે આપણે ભારતીય છીએ અને ભારતમાં રહીએ છીએ, તો આપણા વિસ્તારનું નામ પણ હિન્દુસ્તાન સાથે જોડાયેલું હોવું જોઈએ.

સ્થાનિકોની આ વર્ષો જૂની માંગને ધ્યાનમાં લઈને પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પહેલ કરી હતી. તેમણે ૨૦૧૮માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ નામ બદલવા માટે પત્ર લખ્યો હતો. આ પત્ર બાદ ૧૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સમિતિએ ઠરાવ પસાર કરીને નામ બદલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો હવે સત્તાવાર અમલ કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં રહેતા લોકોના આધારકાર્ડ,વોટીંગ કાર્ડ રેશનકાર્ડ સહિતના દસ્તાવેજો પર પાકિસ્તાની મોહલ્લાનું સરનામું હતું. ત્યારે આઝાદીના દિવસની પૂર્વસંધ્યાએ થયેલા આ નામકરણથી તમામ લોકોના મહત્વના દસ્તાવેજો પર હવે પાકિસ્તાની મોહલના નામ હટી જશે અને તેના પર હિન્દુસ્તાની મોહલ્લાનું નામ લખવામાં આવશે.

નવા નામકરણની તક્તીનું અનાવરણ થયા બાદ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજથી આ વિસ્તાર હિન્દુસ્તાની મહોલ્લા તરીકે ઓળખાશે.

 તેમણે એ પણ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ અહીંના રહેવાસીઓના રેશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ નોંધવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવશે. આ નિર્ણયથી સ્થાનિકોની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(11:18 PM IST)