<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો થયો પર્દાફાશ : 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી AMCની સેન્ટ્રલ ઑફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી સામે આવતા આ કડક કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફિક્સ પે અંતર્ગત ભરતી થયેલા 8 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓએ વર્ષ 2023-24 દરમિયાન ગેરરીતિ આચરીને નોકરી મેળવી હતી. આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી AMCની સેન્ટ્રલ ઑફિસના સસ્પેન્ડેડ હેડ ક્લાર્ક પુલકિત સથવારા સાથેની તેમની સંડોવણી સામે આવતા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

 

મળતી માહિતી મુજબ, પુલકિત સથવારાએ મે 2023થી ઑક્ટોબર 2024 દરમિયાન એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર, સહાયક સર્વેયર તેમજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર ફાર્માસિસ્ટની ભરતી પ્રક્રિયામાં 8 ઉમેદવારોના માર્ક્સ વધારી આપ્યા હોવાનું સામે આવ્યું છે. તેના કારણે તેઓ મેરીટ લિસ્ટમાં આવ્યા અને નોકરી પણ મેળવી હતી. જોકે, હવે આ તમામે હવે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

 

AMC ભરતી કૌભાંડ બહાર આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વર્ષ 2021થી 2025 સુધીમાં લેવાયેલી તમામ ભરતી પ્રક્રિયાઓ અંગે તપાસ કરવા એક કમિટીની રચના કરી હતી. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને ત્રણ HOD કક્ષાના અધિકારીઓની કમિટીએ છેલ્લા 5 વર્ષની ભરતીની તપાસ કરી હતી.

(11:10 AM IST)