<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદથી સ્‍થિતિ ગંભીર બની શકે છેઃ અંબાલાલ પટેલ

અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગરમાં વરસાદના લીધે નદીઓમાં પુર જેવી સ્‍થિતિ બની શકે છે

અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગંભીર ચેતવણી આપી છે. તેમના અનુસાર, બંગાળના ઉપસાગરમાંથી મોટુ નીચદબાણ સર્જાઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ લાવશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આગાહી ચિંતાજનક છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરત જેવા વિસ્તારોમાં આગામી 48થી 72 કલાક ખુબ જ મહત્વના રહેશે. “દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઉભું થઈ શકે છે,” તેમ અંબાલાલ પટેલે જણાવ્યું.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં પુર આવવાની શકયતા છે. “આ વખતે સૌરાષ્ટ્રમાં તબાહીની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે,” એમ અંબાલાલ પટેલે ચેતવણી આપી.

અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમની અસર ગુજરાત પર આગામી બે દિવસમાં વાપરવા લાગશે. તેથી રાજ્યના તંત્રોએ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. તળાવો, ડેમ, નદી નાળાઓના સ્તર પર સતત નજર રાખવી જરૂરી બનશે.

અંબાલાલ પટેલે નાગરિકોને પણ સુરક્ષિત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. “આવા વરસાદ દરમિયાન જરૂરી બહાર ન નીકળવું, નદી નાળાના વિસ્તારમાં ટળવું અને સંતુલિત રહેવુ ખૂબ જ આવશ્યક છે,” તેમ તેમણે જણાવ્યું. વધુમાં તો અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન અને શહેરોમાં જીવન અસ્તવ્યસ્ત થવાની સંપૂર્ણ શક્યતા છે.

(4:47 PM IST)