<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ગુજરાતમાં 3 કલાક ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ:સાંજે અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ

 અમદાવાદ : જૂન-જુલાઈ મહિનામાં મેઘરાજાએ બઘડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો હતો. જેના પરિણામે અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. જો કે હવે એકસાથે ચાર સિસ્ટમો સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ફરીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. એવામાં આજે અમદાવાદમાં પણ લાંબા ગાળા બાદ વરસાદ તૂટી પડ્યો છે.

આજે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં બફારો રહ્યા બાદ બપોરે શહેરના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા પડ્યા હતા. જો કે સાંજે સાડા 6 વાગ્યા પછી અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન અમદાવાદના એસ.જી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, વાસણા, વેજલપુર, થલતેજ, બોપલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા અનેક ભાગોમાં વરસાદના પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું હતુ.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા, ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં આગામી પાંચ કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, મહેસાણા, મહિસાગર, ખેડા, અરવલ્લી, આણંદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને જામનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે કચ્છ, પાટણ, મોરબી, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ (5 mm/hr કરતાં ઓછો) થવાની સંભાવનાને જોતા યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

(8:47 PM IST)