<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

રાજયના 59 તાલુકામાં વરસાદ :છેલ્લા 2 કલાકમાં ગોંડલમાં સૌથી વધુ 1 ઈંચથી વધુ વરસાદ: અમદાવાદમાં સાંજે જોરદાર ઝાપટું

ચોટીલામાં 12 મિ.મી, થાનગઢમાં 10 મિ.મી તેમજ અમદાવાદમાં 9 મિ.મી વરસાદ વરસ્યો: આખા દિવસ દરમિયાન 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘાવી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેવાની આગાહી કરવામાં આવી છે. એવામાં આજે રાજ્યના 59 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 59 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 46 મિ.મી (1.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય અરવલ્લીના મેઘરજમાં 43 મિ.મી (1.6 ઈંચ), રાજકોટમાં ગોંડલમાં 41 મિ.મી (1.6 ઈંચ), ડાંગના આહવામાં 26 મિ.મી (1.02 ઈંચ) વરસાદ વરસ્યો છે.

જ્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાજકોટના ગોંડલમાં સૌથી વધુ 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ પડ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગરના ચોટીલામાં 12 મિ.મી, થાનગઢમાં 10 મિ.મી તેમજ અમદાવાદમાં 9 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

જણાવી દઈએ કે, જૂન-જુલાઈમાં સારો વરસાદ વરસ્યા બાદ મેઘરાજા વેકેશન મૂડમાં જતા રહ્યા હોય, તેમ છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટી ગયું હતુ. જેના પગલે ખેતરમાં ઉભો પાક મુરઝાવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એવામાં આજથી વરસાદનો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની રહેલ જોવા મળી રહી છે.

(9:44 PM IST)