<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

ડાકોરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી : રણછોડરાયજી મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું

મંદિર પરિસરને નયનરમ્ય લાઇટિંગથી રોશન કરાયું :અવકાશી નજારો અત્યંત મનમોહક અને આકર્ષક: અદ્ભુત અને અલૌકિક વાતાવરણનું નિર્માણ :ભક્તોમાં જન્માષ્ટમીને લઈને ભારે ઉત્સાહ

ડાકોરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે. રણછોડરાયજી મંદિર રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યું છે.  ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ, જન્માષ્ટમીની ઉજવણી માટે ડાકોરનું સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં તૈયારીઓ પૂર્ણ થવા પામી છે. 

જન્માષ્ટમીની ભવ્ય અને દિવ્ય ઉજવણી આવતીકાલ શનિવારે થવાની છે, જેના માટે મંદિરને અદભુત રીતે શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરને નયનરમ્ય લાઇટિંગથી રોશન કરવામાં આવ્યું છે, જેનો અવકાશી નજારો અત્યંત મનમોહક અને આકર્ષક લાગે છે.  સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી રહ્યું છે, જેના કારણે એક અદ્ભુત અને અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું છે. ભક્તોમાં જન્માષ્ટમીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

હજારોની સંખ્યામાં ભક્તો રણછોડરાયના દર્શન કરવા અને આ પાવન પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે ડાકોર ઉમટી પડશે. શનિવારે યાત્રાધામ ડાકોરમાં ધૂમધામ પૂર્વક જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. ભક્તોને આવકારવા માટે ડાકોર મંદિર સજ્જ બન્યું છે. સવારે મંગળા આરતી બાદ 1:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 1 થી 4:45 સુધી દર્શન બંધ રહેશે. રાત્રે 12:00 વાગ્યે ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે.

(10:44 PM IST)