<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ગુજરાતના કલાકારોને મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત નડ્યો : ગાયક કલાકાર સહીત ચાર લોકોના મોત :7 લોકોને ગંભીર ઇજા

મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના ગીત-સંગીત સાથે જોડાયેલા 20 કલાકારો કાશી વિશ્વનાથ ખાતે શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરી પરત ફરતા હતા : NH-46 પર એક ટ્રાવેલર મીની બસ ડિવાઇડર ઓળંગીને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ

અમદાવાદ : ગુજરાતના કલાકારોને મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત નડ્યો છે, જેમાં ગાયક કલાકાર સહીત ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે 7 લોકોને ગંભીર ઇજા થયાનું જાણવા મળે છે 

  મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. NH-46 પર એક ટ્રાવેલર મીની બસ ડિવાઇડર ઓળંગીને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેરઅથડાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના સવારે લગભગ 5:30 વાગ્યે બની છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લાના લગભગ 20 ગીત-સંગીત સાથે જોડાયેલા કલાકારો શુક્રવારે સાંજે કાશી વિશ્વનાથ ખાતે આયોજિત શિવ કથા કાર્યક્રમમાં પરફોર્મ કરીને પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે ટ્રાવેલર બસ સુરવાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી વખતે જ તે બેકાબૂ થઈ ગઈ, ડિવાઈડર પર ચઢી ગઈ અને બીજી લેન પર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં સિંગર હાર્દિક દવે (40)નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજા ઠાકુર (28), અંકિત ઠાકુર (17) અને રાજપાલ સોલંકી (60)એ પણ અંતિમ શ્વાસ લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં રાવલ મોહિત, આશિષ વ્યાસ, મોહલિક, નરેન્દ્ર નાયક, ચેતન કુમાર, ઋષિકેશ, વિપુલ, અરવિંદ, અર્જુન, હર્ષદ ગોસ્વામી અને ટ્રાવેલર બસના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આમાંથી 7 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

(2:38 PM IST)