News of Saturday, 16th August 2025
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના નવા વસતી ગણતરી નિયામક તરીકે IAS અધિકારી સુજલ મયાત્રાની નિમણૂક : સચિવાલયમાં મહત્ત્વનો અમલદારી ફેરફાર
2011 બેચના IAS અધિકારી સુજલ મયાત્રાને ગુજરાત, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ તરીકે જવાબદારી સોંપાઈ : 31 ડિસેમ્બર, 2025 સુધી રહેશે કાર્યરત

ગાંધીનગર : કેન્દ્ર સરકારે ગુજરાતના વસતી ગણતરી વિભાગમાં એક મહત્વપૂર્ણ અમલદારી ફેરફાર કર્યો છે. 2011ની ગુજરાત કેડરના IAS અધિકારી સુજલ જયંતિભાઈ મયાત્રાને ગુજરાત, દમણ-દીવ અને દાદરા નગર હવેલીના ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ (DCO) અને ડિરેક્ટર ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન (DCR) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂક 31 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે, અથવા આગામી આદેશ ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર કાર્યરત રહેશે.
કેન્દ્ર સરકારના પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને આદેશ કરવામાં આવ્યો છે કે સુજલ મયાત્રાને તેમના હાલના પદ પરથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ નિમણૂક આગામી વસતી ગણતરી અને નાગરિક નોંધણી પ્રક્રિયા માટે વહીવટી માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી કરવામાં આવી છે.
અગાઉ, સુજલ મયાત્રા ગ્રામીણ વિકાસ કમિશનરની કચેરીમાં અધિક કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. મૂળ રાજકોટ જિલ્લાના વિસાવદરના વતની સુજલ મયાત્રા ફાર્મસીમાં અનુસ્નાતક છે. આ નિમણૂક સાથે, ગુજરાતના વસતી ગણતરી નિયામક તરીકે જવાબદારી સંભાળનાર તેઓ નવમા અધિકારી બન્યા છે. અગાઉ 2011માં મનીષ ભારદ્વાજ, 2021માં પ્રવીણ સોલંકી અને 2022માં આદ્રા અગ્રવાલ આ પદ પર સેવા આપી ચૂક્યા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
