<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે 16 ઓગસ્ટથી, રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે 16 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતના 16 તાલુકામાં 1 ઇંચથી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ ખેડામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે.રાણપુરમાં 2.2 ઇંચ, ઉનામાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે. લીંબડીમાં 2.01 ઇંચ, જાફરાબાદમાં 1.81 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ-મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. રાજ્યના અનેક જળાશયો છલકાયા છે. ખેતીના પાકોને નવ જીવન મળ્યું છે. 

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક જિલ્લામાં પાણી જ પાણી ભરાયા જેવી સ્થિતિ સર્જાઇ છે. તેવામાં ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 6 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમદાવાદા સિટીમાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. રાણપુરમાં 1.77 ઇંચ, ગણદેવીમાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાભરમાં 1.57 ઇંચ, ખેડામાં 1.54, લીંબડીમાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ હાલ સક્રિય છે જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તો બીજી તરફ સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 17થી 18 ઓગસ્ટ દરમિયાન સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(6:19 PM IST)