<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

પંચમહાલના શહેરામાં સ્‍વયંભુ શિવલિંગ પ્રગટયુઃ દર્શન માટે લોકો ઉમટ્યા

શ્રાવણ માસમાં જમીનમાંથી બહાર આવેલું શિવલિંગની ભાવિકો દ્વારા પૂજા-અર્ચના

પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરામાં જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું હતું, જેના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ચારે બાજુ શિવભક્તિનો માહોલ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા નજીક એક જુદી જ ઘટના બની હતી. શિવનગરીની ઓળખ ધરાવતા શહેરાના પ્રખ્યાત મરડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલી એક જમીનમાંથી શિવલિંગ મળી આવ્યું હતું. મંદિર નજીકની જમીનમાં આવેલા ઝાડી-ઝાંખરાઓની વચ્ચેથી શિવલિંગ દેખાઈ આવતા જમીન માલિક અને લોકોમાં કુતુહલ અને શ્રદ્ધાના ભાવ પેદા કર્યા હતા.

શિવલિંગ મળી આવ્યાની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક લોકો શિવલિંગની પૂજા-અર્ચના કરવા પહોંચી ગયા હતા. જમીનમાંથી શિવલિંગ પ્રગટ થયું હોવાની વાત જોતજોતામાં જ શહેરા અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી. આ વાતની જાણ થતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો આ સ્થળે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. લોકોએ શિવલિંગની પૂજા કરી હતી, લોકો ભજનો ગાતા પણ જોવા મળ્યા હતા. શિવલિંગની મળી આવ્યાની ઘટનાથી સ્થળ પર આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો.

(7:02 PM IST)