News of Saturday, 16th August 2025
સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને રવિવારની રજાઓને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર માનવ મહેરાણ ઉમટ્યુ
15મી ઓગસ્ટે 40,000 પ્રવાસીઓ જ્યારે જન્માષ્ટમીના પાવન દિવસે આ આંકડો 50,000 પ્રવાસી મુલાકાત લીધીઃ આવતીકાલે રજાના દિવસે વધુ પ્રવાસીઓ પહોંચશે તેવી સંભાવના

વડોદરા: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવેલ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તહેવારો અને રજાઓ દરમિયાન પ્રવાસીઓનો ઉત્સાહ ઊંચે ચડી ગયો છે. સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી અને રવિવારની રજાઓને કારણે અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
15મી ઓગસ્ટના રોજ લગભગ 40,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે જન્માષ્ટમીના પાવન દિવસે આ આંકડો 50,000 સુધી પહોંચી ગયો હતો. આવતીકાલે રજાના દિવસે વધુ પ્રવાસીઓ પહોંચશે એવી અપેક્ષા છે. અંદાજે ત્રણ દિવસમાં કુલ 1.50 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વિસ્તારમાં આવેલી તમામ હોટલો તેમજ ટેન્ટ સિટી ‘હાઉસફૂલ’ થઈ ગઈ છે. પ્રવાસીઓએ અહીં આગોતરી બુકિંગ ન કરનારાઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિ દર્શાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસનને પ્રોત્સાહન આપવા તહેવારો અને રજાઓ કેટલા મહત્વપૂર્ણ સાબિત થાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને સમર્પિત આ સ્મારક માત્ર રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક નથી, પણ પ્રવાસીઓ માટે જ્ઞાન અને પ્રેરણાનું કેન્દ્ર પણ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે સરદાર પટેલની ભૂમિકા વિશે જાણવા માટે અનેક પ્રવાસીઓ અહીં ખાસ આવે છે.
ચોમાસાની મોસમમાં નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. આસપાસના લીલાછમ પહાડો, નદીના કિનારા અને પ્રોજેક્ટ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષે છે.એક પ્રવાસીના જણાવ્યા પ્રમાણે, “અહીંનું વાતાવરણ આનંદદાયક છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં આ સ્થળ વધુ આકર્ષક લાગે છે. દરેક ભારતીયે જીવનમાં એકવાર આ સ્ટેચ્યુની મુલાકાત લેવી જોઈએ.” સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનનું મોટું કેન્દ્ર બની ગયું છે અને આગામી દિવસોમાં અહીં પ્રવાસીઓની સંખ્યા વધુ વધી શકે છે.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
