<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાપાદરમાં ૩૦ વર્ષીય યુવક ઉપર વીજળી પડતા મોત

૩ સંતાનોનાએ પિતાની છત્રછાત્રા ગુમાવીઃ સમગ્ર પંથકમાં એરારાટી વ્‍યાપીઃ મૂળ સુઈગામ તાલુકાના મામણા ગામનો વતની હતો અને ખીમાણાપાદર ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો

અમદાવાદઃ  બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણાપાદર ગામમાં વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. જેના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક યુવકનું નામ નરેશ ઠાકોર હતું. જેની ઉંમર 30 વર્ષ હતી. તે મૂળ સુઈગામ તાલુકાના મામણા ગામનો વતની હતો અને ખીમાણાપાદર ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો.
આજે વરસાદી માહોલ દરમિયાન અચાનક તેના પર વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી નરેશ ઠાકોરના પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. નરેશ ઠાકોર ત્રણ સંતાનનો પિતા હતો. તેના અચાનક અવસાનથી તેના માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વીજળી પડવાના આ બનાવો ચોમાસા દરમિયાન અવારનવાર બનતા હોય છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વરસાદ અને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લામાં રહેવું જોખમી બની શકે છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:19 PM IST)