<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th August 2025

વડોદરાના પાણીગેટ ખંડણીના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી વોન્ટેડ આરોપી ડેવિડ કહારનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો

આરોપી બે હાથ જોડાવી લોકોની માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્‍યું

વડોદરાઃ વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથકે ખંડણીના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી વોન્ટેડ આરોપી ડેવિડ કહારને પોલીસે ઝડપી પાડી દોરડા બાંધીને તેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. જ્યાં તેમણે બે હાથ જોડાવી લોકોની માફી મંગાવી હતી.
આજે પાણીગેટ પોલીસે માથાભારે આરોપી ડેવિડ કહારને સાથે રાખીને જુના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી રી-કન્સ્ટ્રક્શન તેમજ પંચનામું કર્યું હતું. આ દરમ્યાન પોલીસે તેને તે વિસ્તારોમાં લઈ ગઈ હતી, જ્યાં તે વેપારીઓ પાસેથી ખંડણી વસૂલતો અને ધમકી આપતો હતો. આ પ્રસંગે પોલીસની હાજરીમાં ડેવિડ કહારે જાહેરમાં હાથ જોડીને લોકો પાસે માફી પણ માંગી હતી.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ડેવિડ કહાર લાંબા સમયથી વાઘોડિયા રોડ અને પાણીગેટ વિસ્તારમાં આતંક મચાવતો હતો. પ્રભાત ચાર રસ્તા પાસે લારી ચલાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે, ડેવિડ કહાર પોતાને આ વિસ્તારનો ડોન ગણાવી અમારી પાસે લારી લગાવવા માટે ભાડું માંગતો હતો. ભાડું નહિ આપીએ તો લારી હટાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ઘણીવાર તેણે અમારી લારી હટાવી દીધી હોવાથી અમારો વેપાર બગડી ગયો હતો.
આ પ્રકારના માથાભારે તત્વો સામે કડક પગલાં લેવા માટે પાણીગેટ પોલીસે દાખલો બેસાડ્યો છે. પોલીસના આ પગલાને વેપારીઓએ આવકાર આપ્યો છે અને જણાવ્યું છે કે આ પ્રકારની પોલીસની કાર્યવાહીથી હવે તેઓ નિર્ભયતાથી વેપાર કરી શકશે.

(12:25 AM IST)