તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Sunday, 17th August 2025
સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારોઃ જળસપાટી ૧૩૧.૦૨ મીટરે પહોંચી
છેલ્લા ૨૪ કલાકમાં ૧.૨૭ મીટરનો વધારો નોંધાયો

નર્મદા, તા.૧૭ :ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર ૧૩૧.૦૨ મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧.૨૭ મીટરનો વધારો નોંધાયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમમાં હાલ ૧,૨૩,૬૮૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
વધેલી પાણીની આવકને કારણે RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં, નર્મદા નદીમાં કુલ ૫૫,૯૬૯ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
જળસપાટીમાં વધારો થતા ૩૧ જુલાઈથી ૧૪ દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
