<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

શ્રાવણમાંજ શ્રીફળના ભાવમાં રૂ.૧૦નો વધારો, પૂજામાં પણ હવે મોંઘવારી નડશે

નારિયેળના પાકને નુકસાનથી આવક ઘટી, કોપરું, છીણ, તેલના ભાવ પણ વધ્‍યા શ્રીફળ અને લીલાં નારિયેળની આવક ઘટતા રૂ.૩૦નું શ્રીફળ રૂ.૪૦નું મળવા લાગ્‍યું

અમદાવાદ તા.૧૯:  શ્રાવણ માસમાં લોકો ભગવાનની પૂજામાં શ્રીફળનો ઉપયોગ કરતા હોય છે. અત્‍યારે શ્રીફળના ભાવોમાં રૂ.૧૦નો વધારો થતા ભગવાનની પૂજા કરવામાં પણ મોંથવારી નડી શકે છે. અમદાવાદમાં એક શ્રીફળ અગાઉ રૂ. ૩૦ના ભાવે મળતું હતું તે અત્‍યારે રૂ.૪૦નું મળી રહ્યું છે. વેપારીના જણાવ્‍યા મુજબ, શ્રાવણ માસમાં સૌથી વધુ શ્રીફળની માંગ રહેતી હોવાથી ભાવમાં અચાનક રૂ.૧૦નો વધારો થઈ ગયો છે. રોજબરોજ ભગવાનને પ્રસાદ સ્‍વરૂપે શ્રીફળ ધરાવતા ભક્‍તોને મહિને રૂ. ૩૦૦થી વધુનો આર્થિક બોજો પડશે. જ્‍યારે લીલા નારિયેળ રૂ.૩૦થી ૪૦ના મળતા હતા તે અત્‍યારે રૂ.૭૦ થી ૧૦૦ના મળી રહ્યા છે. જેમાં ઓછા પાણીના રૂ.૪૦થી પ૦ તથા પાણીવાળા નારિયેળ રૂ.૭૦ થી ૧૦૦ના મળી રહ્યા છે. ખાસ કરીને દર્દીઓ માટે પણ લીલાં નારિયેળ ખૂબ મહત્‍વ ધરાવે છે.

શ્રીફળમાંથી સૂકું કોપરું, કોપરાનું છીણ, નારિયેળનું તેલ જેવી વસ્‍તુઓ બને છે તેમાં પણ સીધો જ ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ શ્રીફળ, લીલાં નારિયેળની આવક ઘટતા તેની અસર શ્રીફળમાંથી તૈયાર થતી અન્‍ય વસ્‍તુઓ ઉપર પણ જોવા મળી રહી છે.

શ્રીફળ એ હિન્‍દુ ધર્મમાં દરેક પૂજનમાં સૌથી પવિત્ર ફળ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. શ્રી એટલે ભગવાન અને ફળ એમ ભગવાનના ફળને શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે. લીલા નાળિયેર કે શ્રીફળનું મુખ્‍ય ઉત્‍પાદન તામિલનાડુ, મદ્રાસ, કેરલા તથા કર્ણાટકમાં ખૂબ જ મબલખ પ્રમાણમાં થાય છે. જ્‍યાંથી દેશના વિવિધ રાજ્‍યો તથા અન્‍ય દેશોમાં પણ તેની નિકાસ થતી હોય છે.

સામાન્‍ય રીતે દર ચોમાસામાં નારિયેળનું ઉત્‍પાદન ખૂબ જ થતું હોય છે પરંતુ આ વર્ષે નારિયેળના પાકને નુકસાન થતાં શ્રીફળ તથા લીલા નારિયેળની આવક ઘટી છે. જેના કારણે ગુજરાતમાં શ્રીફળ તથા લીલા નારિયેળના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.(

(2:38 PM IST)