<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સાળંગપુર રોડ પર રિક્ષા અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત

રિક્ષાને બચાવવા જતાં કારે મારી પલટીઃઆ દરમિયાન સામેથી આવી રહેલી એક ફોર-વ્હીલર કારના ચાલકે રિક્ષાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો

બોટાદ, તા.૧૯

બોટાદના સાળંગપુર રોડ પર આજે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સાળંગપુર રોડ પર એક ઓટો રિક્ષાનું ટાયર અચાનક નીકળી જતાં ડ્રાઈવરે રિક્ષા પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન સામેથી આવી રહેલી એક ફોર-વ્હીલર કારના ચાલકે રિક્ષાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો.

રિક્ષાને બચાવના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારીને રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર એક વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

 પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત કયા સંજોગોમાં બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતે ફરી એકવાર વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની અને રોડની જાળવણીની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો.

(9:45 PM IST)