<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાજવી નગરી રાજપીપળા શહેર રખડતા જાનવરોનું શહેર બન્યું : તંત્ર કડક પગલાં લેશે..?

દરબાર રોડ પારેખ ખડકીમાં તો આખો દિવસ અડિંગો જમાવી બેસતા જાનવરોથી ગંદકીનું સામ્રાજ્ય

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેર આમ તો રાજવી નગરી તરીકે જાણીતું છે પરંતુ હાલમાં લાંબા સમય થી આ શહેર ના માર્ગો ઉપર રખડતા જાનવરો જ જણાય છે માટે હવે આ શહેર જાનવરોનું શહેર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે .

  રાજપીપળા શહેરમાં ઘણા વર્ષોથી રખડતા જાનવરો થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે નગરપાલિકા દ્વારા કેટલીકવાર ઢોર પાર્ટી મુકી જાનવરો પકડવામાં આવ્યા છે છતાં ઢોર માલિકો આખો દિવસ પોતાના ઢોર છૂટા મૂકી દેતા અનેક વિસ્તાર માં આ ઢોર રખડે છે અને તેમના મળ મૂત્રના કારણે ગંદકી પણ ફેલાઈ છે.જ્યારે દરબાર રોડ પારેખ ખડકી સહિત અમુક વિસ્તારોમાં 15 થી 20 ની સંખ્યામાં ઢોરનું ટોળું બેસી રહેતા ત્યાંથી બાઇક પણ કાઢી શકાતી નથી અને આ ટોળા માંથી બે ચાર જાનવર વિફરે તો નાસભાગ પણ થતા ત્યાં રમતા બાળકો કે જતા આવતા વૃદ્ધ ના જીવ તાળવે ચોટી જાય છે. જોકે નગરપાલિકા દ્વારા આ ઢોરને દૂર મૂકી દેવામાં પણ આવ્યા છે પરંતુ ફરી આ જાનવરો શહેરમાં આવતાં સ્થિતિ ત્યાંની ત્યાંજ જણાઈ છે. જોકે આ સમસ્યા ફક્ત રાજપીપળામાં નથી બલ્કે આખા ગુજરાત માં માથાનો દુખાવો બની છે ત્યારે આ માટે સરકારે કોઈ મજબૂત એકશન પ્લાન તૈયાર કરી આ તકલીફ નું કાયમી નિરાકરણ લાવવું જોઈએ.


 

(12:02 AM IST)