તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ટ્રેક્ટરના બાકી નાણાં માટે યુવકને ઢોર માર: જીવ બચાવવા નદીમાં ખાબકતા મોત: ૪ સામે ગુનો દાખલ

બોડેલી: ટ્રેક્ટરના બાકી નાણાંની વસૂલાત માટે બોડેલીના સોનાલીકા ટ્રેક્ટરના શોરૂમ માલિક અને તેના ત્રણ સાગરિતોએ એક યુવાનને માર મારતા યુવકે જીવ બચાવવા મેરિયા નદીમાં ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત થતાં બોડેલી પોલીસે ચારેય હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, પાવીજેતપુરના સુસ્કાલ ગામનો સહદેવ સુરેશભાઈ બારિયા અગાઉ બોડેલીના સોનાલીકા ટ્રેક્ટર શોરૂમમાં કામ કરતો હતો. શોરૂમના માલિક જીજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ સાથે સારા સંબંધ હોવાથી તેણે તેના બનેવીને ટ્રેક્ટર અપાવ્યું હતું. લોન મંજૂર ન થતા ટ્રેક્ટર પાછું લઈ લેવાયું હતું, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને સહદેવે નોકરી છોડી દીધી હતી.
સોમવારે સવારે સહદેવ બોડેલી તરફ જઈ રહ્યો હતો ત્યારે મેરિયા નદીના પુલ પર કારમાં આવેલા જીજ્ઞેશભાઈ અને તેમના ત્રણ સાગરિતોએ તેની બાઈક રોકીને પૈસાની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને માર મારવામાં આવ્યો હતો. આ હુમલાથી બચવા માટે સહદેવે નદીમાં છલાંગ લગાવી હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
બોડેલી પોલીસે ગોવિંદભાઈ રાઠવાની ફરિયાદના આધારે જીજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ, હેમંતભાઈ અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
