<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ગુજરાતમાં સૌપ્રથમવાર સાયબર ફ્રોડ કરતી ગેંગ સામે ગુજસીટોક દાખલઃ ૭ આરોપીઓ ઝડપાયા

રૂ. ૩૦૦ કરોડનું ક્રિપ્‍ટોમાં કન્‍વર્ઝનઃ દુબઈ સ્‍થિત એજન્‍ટ મિલન વોન્‍ટેડ, તેની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે

 

 

અમદાવાદઃ લોકોને ડરાવી, ધમકાવી કે લલચાવીને કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરતી આંતરરાષ્‍ટ્રીય ગેંગ સામે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી ક્રાઈમ બ્રાન્‍ચે લાલ આંખ કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આવા કિસ્‍સામાં ક્રાઈમ બ્રાન્‍ચે સાત આરોપીઓ સામે ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્‍ડ ઓર્ગેનાઈઝડ ક્રાઇમ એક્‍ટ) હેઠળ કડક કાર્યવાહી કરી છે.

આ ગેંગે અમદાવાદ અને ગાંધીધામના ચાર કેસમાં જ રૂ.૩ કરોડથી વધુની રકમ પડાવી હતી, જ્‍યારે દેશભરમાં ૪૦૪થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ ગેંગના પડાવેલા રૂપિયા દુબઈમાં બેઠેલો મિલન નામનો એજન્‍ટ ક્રિપ્‍ટોકરન્‍સીમાં કન્‍વર્ટ કરતો હતો. અત્‍યાર સુધીમાં તેણે રૂ.૩૦૦ કરોડનું કન્‍વર્ઝન કર્યું હોવાની વિગતો સામે આવી છે.

સાયબર ફ્રોડ કરતી આ ગેંગે અમદાવાદના એક વેપારી પાસેથી રૂ.૫૪ લાખ, અન્‍ય એક નાગરિક પાસેથી રૂ.૩૨ લાખ, અને ગાંધીધામના એક પીડિત પાસેથી રૂ.૧ કરોડ પડાવ્‍યા હતા. આ ગેંગ સ્‍થાનિક બેન્‍ક ખાતાઓમાં રૂપિયા જમા કરાવીને સુરતથી રોકડા ઉપાડતી હતી. આ રકમ હવાલા મારફતે દુબઈ મોકલાતી હતી. ત્‍યાં બેઠેલો ચીની ગેંગનો એજન્‍ટ મિલન આ રૂપિયા ક્રિપ્‍ટોકરન્‍સીમાં કન્‍વર્ટ કરીને પોતાના આકાઓને પહોંચાડતો હતો.

ક્રાઈમ બ્રાન્‍ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્‍યું કે આ ગેંગે અત્‍યાર સુધીમાં દેશભરમાંથી રૂ.૧૬ કરોડથી વધુ પડાવ્‍યા હોવાનું સામે આવ્‍યું છે, અને આ ગેંગના વોન્‍ટેડ આરોપી મિલનની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ પોલીસે આ કેસમાં સાવન ત્રિભુવનદાસ ઠક્કર, ધવલ ત્રિભુવનદાસ ઠક્કર, ગોવિંદ ભુરિયાભાઇ રાવલ, બ્રિજરાજ સિંહ કિશોરદાન ગઢવી, કેવલ દશરથદાન ગઢવી અને હસમુખ ઉર્ફે હિતેશ હિંમતભાઈ નસીતની ધરપકડ કરી છે. જ્‍યારે દુબઈ સ્‍થિત મિલન નામનો એજન્‍ટ વોન્‍ટેડ છે.

જાહેર જનતા માટે ચેતવણી જેસીપી ક્રાઈમ બ્રાન્‍ચ શરદ સિંઘલે નાગરિકોને ચેતવણી આપતા જણાવ્‍યું છે કે, પોલીસ કે અન્‍ય એજન્‍સીના યુનિફોર્મમાં કોઈ પણ વ્‍યક્‍તિ ફોન કરીને ડરાવે કે ધમકાવે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો. ડિજિટલ એરેસ્‍ટ જેવું કંઈ નથી. તેમણે લોકોને કોઈપણ રોકાણ યોજનાઓમાં વધુ કમાણીની લાલચમાં ન ફસાવા માટે પણ અનુરોધ કર્યો છે, કારણ કે આવા લોકો સાયબર ફ્રોડના ગઠિયા હોય છે. પોલીસ આ ગેંગ સામે કડક પગલાં લેશે અને લોકોની જાગળતિથી જ આવા ગુનાઓ ઘટાડી શકાશે.(૪૦.૫)

(9:52 AM IST)