<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

સગીરા પર દુષ્‍કર્મ ગુજારનાર યુવાનને ૨૦ વર્ષની સખત કેદ

વડોદરાઃ સગીર બાળાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું જાતીય શોષણ કરવાના કિસ્‍સાઓ વધી રહ્યા છે. આવા ગુનાઓમાં દાખલો બેસે અને સમાજમાં એક મજબૂત સંદેશો પહોંચે તે હેતુથી વડોદરાની અદાલતે એક મહત્‍વપૂર્ણ ચુકાદો આપ્‍યો છે. સગીરા પર બળાત્‍કાર ગુજારનાર ૨૦ વર્ષના યુવાનને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ ભોગ બનનાર યુવતીને રૂ.૫૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્‍યો છે. 

૨૦૨૧ના એપ્રિલ મહિનામાં વડોદરાના સિટી પોલીસ મથકમાં એક મહિલાએ તેમની ૧૭ વર્ષીય પૌત્રી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ, ૮મી એપ્રિલના રોજ તેમની પૌત્રી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી. બે-ત્રણ દિવસ રાહ જોયા બાદ પણ તે પરત ન આવતા ૧૨મી એપ્રિલના રોજ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને ૧૫મી એપ્રિલના રોજ અજય અલ્‍પેશભાઈ તડવી નામના યુવાનની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્‍યું કે અજય તડવીએ લગ્નની લાલચ આપીને સગીર યુવતીનું અપહરણ કર્યું હતું અને ત્‍યારબાદ તેની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્‍કાર ગુજાર્યો હતો. આ કેસ ફાસ્‍ટ ટ્રેક સ્‍પેશિયલ કોર્ટ (પોક્‍સો)માં અધિક સત્ર ન્‍યાયાધીશ શકુંતલાબેન સોલંકી સમક્ષ ચાલ્‍યો. પુરાવા અને રજૂઆતોને ધ્‍યાનમાં રાખીને અદાલતે અજય અલ્‍પેશ તડવી (મૂળ રહે. આનંદપુરી ગામ, નસવાડી, જી. છોટાઉદેપુર)ને ગુનેગાર ઠેરવીને આ કડક સજા ફટકારી છે. આ ચુકાદો આવા ગુના આચરતા તત્‍વો માટે એક ચેતવણીરૂપ છે.(૪૦.૧૪)

(3:58 PM IST)