તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
રાષ્ટ્રીયકૃત બેંકોના નિવૃત્ત પેન્શનરો દ્વારા પેન્શન વધારા માટે અમદાવાદમાં ભૂખ હડતાળ અને જબ્બર દેખાવો પ્રદર્શન

અમદાવાદ: સમગ્ર ભારતના હજારો નિવૃત્ત બેંક પેન્શનરોએ અમદાવાદમાં ગાંધી આશ્રમ, સાબરમતી પાસે કલેક્ટર કચેરી સામે એક દિવસીય ભૂખ હડતાળ, દેખાવો અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ચાર દાયકાથી પેન્શન વધારા સહિતની તેમની ન્યાયી અને વાજબી માંગણીઓ પ્રત્યે સરકાર અને ઇન્ડિયન બેંક એસોસિએશનનું ધ્યાન દોરવાનો હતો.
'કો-ઓર્ડિનેશન ઑફ બેંક પેન્શનર્સ એન્ડ રીટાયરીઝ ઓર્ગેનાઇઝેશન' અને 'ફેડરેશન ઑફ પેન્શનર્સ એસોસિએશન' દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝનો જોડાયા હતા. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પેન્શનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરી અને બેંક ઑફ ઇન્ડિયા પેન્શનર્સ સંગઠનના જનરલ સેક્રેટરી કોમરેડ આર.એસ. ત્રિવેદીના નેતૃત્વ હેઠળ આ પ્રદર્શન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી ભૂખ હડતાળમાં 500થી વધુ લોકો જોડાયા હતા. બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન, અસહ્ય ગરમી હોવા છતાં, અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાંથી આવેલા પેન્શનરોએ "વી ડિમાન્ડ જસ્ટિસ", "હમારી માંગે પૂરી કરો", "ગવર્મેન્ટ તુમ હોશ મેં આવો", અને "હલ્લા બોલ" જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં લગભગ 100 જેટલી પેન્શનર બહેનો પણ સામેલ થઈ હતી.
પેન્શનર સંગઠનના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં જઈને અમદાવાદ કલેક્ટરને તેમની માંગણીઓ અંગેનું આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેથી તે ભારત સરકાર સુધી પહોંચી શકે. આ કાર્યક્રમમાં 2,000થી વધુ નિવૃત્ત પેન્શનરોએ ભાગ લીધો હતો. હાલમાં બેંકમાં ફરજ બજાવતા કર્મચારી યુનિયનો અને અધિકારીઓના સંગઠનના અગ્રણીઓએ પણ સંબોધન કર્યું હતું અને આ લડતને સમર્થન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં નિવૃત્ત અને વર્તમાન બેંક કર્મચારી અગ્રણીઓ જેવા કે કોમરેડ રમેશભાઈ ચોકસી, સુરેશભાઈ રિંદાણી, પ્રવિણસિંહ જાડેજા, અજય બદાની, અનિલ દાવર, અરવિંદ પટેલ, પિનાકિન જાની, દીપક સોલંકી, કિશોર ઘટાડ, એચ.એન મલ્હોત્રા, અશોક રિંદાની, નિતેશ પરમાર, રજનકરણ અને વિરલ વૈષ્ણવ હાજર રહ્યા હતા.
વડોદરા, રાજકોટ, ગાંધીનગર, હિંમતનગર, ધ્રાંગધ્રા, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ સહિતના શહેરોમાંથી પણ પેન્શનરો આ પ્રદર્શનમાં જોડાયા હતા. રાજકોટથી એસ.બી.આઇ. પેન્શનર્સ એસોસિએશનના શરદ દવે, અનુપમ દોશી, દક્ષિણ જોશી અને શિરીષ કચ્છી પણ આ લડતમાં સહભાગી થયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ શહેરની જાહેર ક્ષેત્રની બેંકોના પેન્શનર્સ આગેવાનો અને કાર્યકર્તાઓએ સખત મહેનત કરી હતી.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
