<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ

સૈયદ રાજપરાથી ૨૧ કિમી દૂર બોટ પલટીઃઆ દુર્ઘટનામાં બોટમાં સવાર ૯ ખલાસીઓમાંથી ૫નો આબાદ બચાવ થયો હતો જ્યારે અન્ય ૪ લોકો હાલ લાપતા છે

અમદાવાદ, તા.૨૦

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ હતી. મુરલીધર નામની આ બોટ ગઈકાલે સાંજે મધદરિયે પલટી જતાં ગંભીર દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બોટમાં સવાર ૯ ખલાસીઓમાંથી ૫નો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય ૪ લોકો હાલ લાપતા છે. આ ઘટના સૈયદ રાજપરા અને ધારાબંદર વચ્ચે કિનારાથી આશરે ૨૧ કિલોમીટર દૂર બની હતી. ગઈકાલે સાંજે ૪ વાગ્યાની આસપાસ બોટ માછીમારી કરી રહી હતી.ત્યારે અચાનક દરિયાના તેજ મોજાની થપાટ લાગતા તે પલટી ગઈ હતી. બોટ પલટી જતાં તેમાં સવાર તમામ ખલાસીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે અન્ય બોટના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૃ કરી હતી. જેના કારણે ૫ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ બચાવાયેલા ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બચાવ થયેલા ખલાસીઓ પૈકીના રમેશભાઈ કાળાભાઈ બાંભણીયાએ જણાવ્યું હતું કે અચાનક બોટ મોજાની થપાટથી પલટી ગઈ હતી અને અમે પાણીમાં પડી ગયા હતા. અમે અન્ય બોટોની મદદથી બહાર નીકળ્યા. જોકે આ દુર્ઘટનામાં હજુ પણ ૪ ખલાસીઓ લાપતા છે. તેમને શોધવા માટે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ માછીમાર પરિવારોમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાવી દીધો હતો.

(10:56 PM IST)