<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ: વિદ્યાર્થીના મૃત્યુ માટે સ્કૂલની ગંભીર બેદરકારી જવાબદાર, એનઓસી રદ્દ કરવા ભલામણ: સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ: ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ

અમદાવાદ: સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઊભેલા ભારે જનાક્રોશ અને તોડફોડની ઘટના બાદ સરકારે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. ડીઈઓના અહેવાલ મુજબ, જો સ્કૂલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોત અને વિદ્યાર્થીને સમયસર સારવાર મળી હોત, તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત. આ રિપોર્ટના આધારે હવે સ્કૂલની એનઓસી (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) રદ્દ કરવાની ભલામણ કરવામાં આવશે તેઓ અમદાવાદના અખબારી માધ્યમોમાં પ્રસિદ્ધ થયું છે.

 * સમયસર સારવારનો અભાવ: ડીઈઓના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં સ્કૂલ દ્વારા ગંભીર બેદરકારી અને વિલંબ કરવામાં આવ્યો હતો.

 * માહિતી છુપાવવાનો પ્રયાસ: સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાની જાણ ડીઈઓ કચેરીને મોડી સાંજ સુધી કરી ન હતી. નોટિસ પાઠવ્યા બાદ પણ કોઈ ખુલાસો કે જવાબ આપવામાં આવ્યો નથી.

 * અગાઉની ઘટનાઓ પર બેદરકારી: અન્ય વાલીઓના જણાવ્યા મુજબ, સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે વિગ્રહના બનાવો અગાઉ પણ બન્યા હતા, પરંતુ સ્કૂલ સંચાલકોએ કોઈ કાર્યવાહી કરી ન હતી.

 * શિક્ષણ સચિવને રિપોર્ટ: ડીઈઓ દ્વારા શિક્ષણ સચિવને પ્રાથમિક તપાસનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે જ કડક કાર્યવાહીની ભલામણ થઈ છે.

 * શૈક્ષણિક કાર્ય પર રોક: વાલીઓના આક્રોશને કારણે હાલમાં સ્કૂલમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ અપાયો છે. ડીઈઓએ પોલીસ કમિશનરને પણ સ્કૂલ સ્ટાફની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા વિનંતી કરી છે.

 * નવો પરિપત્ર: આ ઘટના બાદ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને શિસ્ત સમિતિની રચના કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે હવે સરકાર આ સ્કૂલની એનઓસી રદ્દ કરશે કે કેમ અને ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૧–૧૨ની માન્યતા રદ્દ કરાશે કે કેમ તે ચર્ચા ચાલી રહ્યા નું પણ પ્રસિદ્ધ થયું છે

(12:54 PM IST)