<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

દેશ ભક્તિ અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ઉજવાશે ગણેશ મહોત્સવ : હર્ષ સંઘવીએ ઈનામની કરી જાહેરાત

નિરિક્ષકો આ પંડાલોની મુલાકાત લઈને તેને પહેલો બીજો અને ત્રીજો નંબર આપશે: ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલને 2, 3 અને 5 લાખની પ્રોત્સાહક રાશિ પણ અપાશે

અમદાવાદ : ગુજરાતમાં ગણેશ ચતુર્થીને લઈને તૈયારીઓ તેજ થઇ રહી છે. હવે ગણેશ મહોત્સવને લઇ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેવામાં ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂરનો રંગ જોવા મળશે. દેશ ભક્તિ અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ સાથે ઓપરેશન સિંદૂર થીમ પર તૈયાર થયેલ ગણેશ પંડાલોની પ્રતિસ્પર્ધા યોજાશે.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આ વર્ષે ગણેશ ચતુર્થીનું પર્વ દેશ ભક્તિ અને ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ઉજવવામાં આવશે. સ્વદેશી ચીજ અપનાવતા સંદેશ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા કહ્યું કે, નવરાત્રી અને દિવાળીના પર્વમાં પણ સ્વદેશી ચીજનું વેચાણ થાય તે હેતુથી સરકારે નિર્ણય લીધો છે. નાના વેપારીઓને આર્થિક લાભ મળી રહે તે માટે સરકારે પ્રયાસ કર્યો છે.

રાજ્યમાં ઓપરેશન સિંદૂર થીમ પર તૈયાર થયેલ ગણેશ પંડાલોની પ્રતિસ્પર્ધા યોજાશે તથા નિરિક્ષકો આ પંડાલોની મુલાકાત લઈને તેને પહેલો બીજો અને ત્રીજો નંબર આપશે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલને 2, 3 અને 5 લાખની પ્રોત્સાહક રાશિ પણ આપવામાં આવશે. નાના વેપારીઓ ને આર્થિક લાભ મળી રહે તે માટે સરકારે પ્રયાસ કર્યો છે.

પવિત્ર ગણેશ ચતુર્થીનો તહેવાર બસ હવે આંગળીના વેઢે ગણાઈ રહ્યો છે. ચારેબાજુ ગણેશજીના આગમનની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, અને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગણેશજીની સ્થાપના માટે મૂર્તિઓ તૈયાર થઈ રહી છે, ત્યારે આ વર્ષે મોંઘવારીની અસર ગણપતિ બાપ્પાની મૂર્તિઓ પર પણ જોવા મળી છે. સામાન્ય રીતે દર વર્ષે ગણેશજીની મૂર્તિઓ જે ભાવે મળતી હતી, તેમાં આ વર્ષે મોટો વધારો થયો છે. મૂર્તિના ભાવમાં એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. આ ભાવવધારા પાછળ મુખ્ય કારણ પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરિસ), માટી, ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચમાં થયેલો વધારો છે. આ તમામ ખર્ચાઓ વધતા મૂર્તિ બનાવવાનો કુલ ખર્ચ પણ વધ્યો છે, જેની સીધી અસર મૂર્તિના વેચાણ ભાવ પર જોવા મળી રહી છે.

(6:27 PM IST)