તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
ગુરૂવારે રદ કરવામાં આવેલી ધારાસભ્યો- સાંસદોની બેઠક હવે સોમવારે મળશે
વડાપ્રધાનના ગુજરાત પ્રવાસના આગમન પૂર્વે મળનારી આ બેઠકમાં સી.આર.પાટીલ અને રત્નાકરજી પણ ઉપસ્થિત રહેશેઃ અગાઉની બેઠકમાં આ બંને આગેવાનો હાજર રહેવાના નહોતા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની સેવાકીય પ્રકલ્પો સાથે પખવાડીક ઉજવણીના ભાગરૂપે ભાજપના ધારાસભ્યો, સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારોની અગાઉ ગુરુવારે રદ થયેલી બેઠક વડાપ્રધાનના સોમવારે ગુજરાતમાં આગમન પૂર્વે બોલાવવામાં આવતા બેઠકે ફરી ચર્ચા જગાવી છે.
ગત ગુરુવારે બોલાવવામાં આવેલ આ બેઠક રાજ્યમાં ભારે વરસાદના કારણે કોઈ વિસ્તારમાં અતિવળષ્ટિ થાય તો તે વિસ્તારના ધારાસભ્યો, સાંસદો તેમના વિસ્તારમાં હાજર રહી તંત્રની સાથે રહી કામગીરી કરી શકે એ બહાના હેઠળ આ બેઠક રદ કરી દેવામાં આવી હતી પરંતુ સોમવારે બપોર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત આગમન પહેલા આ બેઠક યોજાતા આ બેઠક ને લઇ ફરી અનેક રાજકીય ચર્ચા જાગી છે.
આ બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો,જિલ્લા પ્રમુખો અને રાજ્ય ભાજપના સંગઠનના મુખ્ય લોકોને ફરજિયાત ઉપસ્થિત રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકનો એજન્ડા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની રાજ્યમાં સેવાકીય પ્રકલ્પો સાથે ત્રણ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર સુધી પખવાડિયાની ઉજવણીના આગોતરા આયોજનની ચર્ચા માટે બોલાવવામાં આવી હોવાનું સત્તાવાર કારણ દર્શાવવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હાલના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઉતરાધિકારની ગમે ત્યારે નિમણૂક થઈ શકે તેવી અટકળો વચ્ચે પ્રદેશ ભાજપના અધ્યક્ષની નિમણૂકની રાષ્ટ્રીય સંગઠન તરફથી જેમને જવાબદારી સોપવામાં આવી છે તેવા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસ પહેલા અચાનક રાતોરાત ગુજરાતની મુલાકાતે આવતા સોમવારે મળનાર આ બેઠકે હાલ રાજકીય ચર્ચા ચગાવી છે.
અગાઉ ગુરુવારે રદ થયેલ આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેવાના નહોતા પરંતુ સોમવારે જ ગુજરાતમાં બે દિવસ નરેન્દ્રભાઈ મોદીનો પ્રવાસ કાર્યક્રમ હોય આ બંને નેતાઓ ગુજરાતમાં હાજર રહેવાના હોય સોમવારે આ બંને નેતાઓ આ બેઠકને માર્ગદર્શન આપશે.
ભાજપના ટોચના નેતાના જણાવ્યા મુજબ આ બેઠક માત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પખવાડીક ઉજવણીના ભાગરૂપે જ બોલાવવામાં આવી છે સંભવિત આ બેઠકમાં આવનારા દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીના માર્ગદર્શનની ચર્ચા થઈ શકે છે. બાકી હાલ પ્રદેશ પ્રમુખના નવા અધ્યક્ષની નિમણૂક અંગે આ બેઠકમાં કોઈ જ ચર્ચાને અવકાશ નથી.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
