<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

છેલ્લા 24 કલાકમાં રાજયના 230 તાલુકામાં વરસાદ :સાબરકાંઠામાં ભુક્કા બોલાવ્યા :વડાલીમાં 8 ઇંચ અને ખેડબ્રહ્મામાં 7 ઇંચ ખાબક્યો

ઈડરમાં 2.76 ઈંચ. ઉમરપાડામાં 3.11 ઈંચ અને આણંદમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો: રાજ્યના 43 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં સાંબેલાધારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ વડાલીમાં 7.56 ઈંચ વરસાદ ખાબક્યો છે.

તેમજ મહેસાણાના સતલાસણમાં 4.41 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડબ્રહ્મામાં 7.13 ઈંચ વરસાદ વરસતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં 2.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ સુરતના ઉમરપાડામાં 3.11 ઈંચ અને આણંદમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 43 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે.

(12:07 PM IST)