News of Saturday, 23rd August 2025
ગણતરીની સેકન્ડોમાં જ તત્કાલ ટિકિટ બુક કરવાનો ગોરખધંધો પુર બહારમાં
ઓટીપી આવ્યા પછી જ ટિકિટ બુક થતી હોવાની સિસ્ટમની છટકબારી શોધાઇ ટુ વે ઓથેન્ટિફીકેશનનો નિયમ લાગુ છતાં ટાઉટોનો વેપલો યથાવત

સુરત તા.૨૩: ટિકીટના કાળા બજાર અટકાવવા માટે રેલવે તંત્ર દ્વારા તુવે ઓથેન્ટીફીકેશનનો નિયમ લાગુ કર્યો છે. તેમાં મુસાફર તત્કાલ ટિકીટ બુક કરાવે તો તેમાં આધારકાર્ડ નંબર નાંખવાનો હોય છે. સાથે સાથે મોબાઈ લ પર ઓટીપી આવ્યા બાદ તે લખવામાં આવે તો જ તત્કાલ ટિકીટ બુક કરી શકાય છે. જોકે આ નિયમ કાગળ પર જ રહી ગયો હોવાની હકીકતો જાણવા મળી છે. કારણ કે છેલ્લા એક સપ્તાહથી ગણતરીની એક મિનિટની અંદર જ તમામ તત્કાલ ટિકીટ બુક કરી દેવામાં આવે છે. તેવી જ રીતે દિવાળી વેકેશનમાં ફરવા જનારાઓ પણ ટિકીટ બુક કરાવે તો તેઓને પણ આવો જ અનુભવ થઈ રહ્યો છે. તેના કારણે જાણકારોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી સોફટવેરના આધારે ટિકીટ બુક કરવાનો ગોરખધંધો પહેલાની માફક શરુ થઇ ગયો છે. જેથી સામાન્ય વ્યક્તિને તો કન્ફર્મ ટિકીટ મળતી જ નથી. જયારે ટિકીટના કાળાબજારીયાઓ સરળતાથી ટિકીટ બુક કરાવી રહ્યા છે.
સામાન્ય વ્યક્તિઓને સરળતાથી તત્કાલ સહિતની ટિકીટ મળી રહે તે માટે જ ટુવે ઓથેન્ટીફીકેશનનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેના લીધે ટિકીટ બુક કરવામાં ઓછોમાં ઓછી એક મિનિટનો સમય થાય છે. જયારે ટિકીટના કાળાબજાર કરનારાઓએ પોતોના સોફટવેરમાં જ એવી સુવિધા કરી દીધી છે કે આ તમામ બાબતને બાયપાસ એટલે કે આવી વિગતો આપ્યા વિના જ ટિકીટ બુક થઈ જાય છે. આ કારણોસર છેલ્લા એક સપ્તાહથી તત્કાલ અને દિવાળી વેકેશનમાં ફરવા જનારાઓ દ્વારા કરવામાં આવતી ટિકીટ એક મિનિટ પછી પણ કન્ફર્મ મળતી નથી. જયારે ટાઉટો સરળતાથી અને મોટી માત્રામાં ટિકીટ બુક કરીને લોકોને લૂંટી રહ્યા છે. એક તરફ રેલવે દ્વારા લોકોની સુવિધા માટે નવા નિયમો લાગું કરે છે પરંતુ ટિકીટના કાળાબજારીયાઓ તેમાંથી પણ નવો રસ્તો શોધીને પોતાનો ગોરખધંધો પહેલાની માફક જ કરી રહ્યા છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
