તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર: કડાણા અને મેશ્વો ડેમ ઓવરફ્લોની નજીક, અનેક ગામો એલર્ટ પર: મહીસાગરના કડાણા ડેમમાં ભારે પાણીની આવક, ૬૦ હજાર ક્યુસેક પાણી છોડાયું: અરવલ્લીનો મેશ્વો ડેમ ૯૦% ભરાયો, સંખ્યાબંધ ગામોને એલર્ટ

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે રાજ્યના ત્રીજા ક્રમના કડાણા ડેમમાં નવા નીરની ભારે આવક થઈ રહી છે. ડેમની સપાટી ૪૧૫.૪ ફૂટે પહોંચી છે, જે ભયજનક સપાટી ૪૧૯ ફૂટથી માત્ર ૪ ફૂટ દૂર છે. ડેમમાં હાલ ૮૨,૦૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે પ્રશાસને ડેમના ૬ ગેટ ૪ ફૂટ ખોલીને ૬૦,૦૦૦ ક્યુસેક પાણી મહી નદીમાં છોડ્યું છે.
આ પાણીના પ્રવાહને કારણે મહી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના પગલે વડોદરા, આણંદ, ખેડા, અને પંચમહાલ જિલ્લાના ૨૩૫ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં દોલતપુરા-વક્તાપુર બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. ખેડૂતોમાં ડેમ ૯૧% ભરાયાને કારણે ખુશીનો માહોલ છે, પરંતુ પૂરની સંભાવનાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે મેશ્વો ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. ડેમમાં પાણીની સતત આવકને પગલે આસપાસના ૧૧ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડવાની સંભાવનાને ધ્યાને લઈને બચાવ કામગીરીની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિક વહીવટ દ્વારા બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
