<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ભાદરવામાં પણ મેળાની મોસમઃ ૧૦થી વધુ મેળા યોજાશે

મંગળવારથી તરણેતરનો જ્‍યારે ૧થી ૭ સપ્‍ટેમ્‍બર અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો

અમદાવાદ તા.૨૬:  ભાદરવા માસનો પ્રારંભ થઈ ગયો છે અને તેની સાથે જ ભાદરવી મેળાઓ યોજાવાનું પણ શરૂ થઈ ગયું છે. આવતીકાલથી તરણેતરનો મેળો જ્‍યારે ૧ થી ૭સપ્‍ટેમ્‍બર દરમિયાન શક્‍તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.

આગામી ર૬થી ૨૯ ઓગસ્‍ટ સુધી સુરેન્‍દ્રનગર જિલ્‍લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં યોજાતા તરણેતરના મેળામાં લોકનૃત્‍ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્‍સવ અને સાંસ્‍કૃતિક સ્‍પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. બીજી તરફ  દર વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. યાત્રાધામ સાથે પૌરાણિક અને ઐતિહાસિક અનેક માન્‍યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે.

જેમાં શ્રદ્ધાળુઓને સંપૂર્ણ વિશ્વાસ હોઈ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્‍યામાં માઈભક્‍તો પદયાત્રા કરી મા અંબાના દર્શનાર્થે ઉમટે છે અને ધન્‍યતા અનુભવે છે.

આ ઉપરાંત ખંભાળિયાના શિરેશ્વર મહાદેવ, ભાવનગરના પ્રસિધ્‍ધ ગોપનાથ મહાદેવ, પાટણવાવ ખાતે ઓસમડુંગર પર માત્રી માતાજીના સાનિધ્‍યમાં, કાલાવડના રણુજા મંદિર સહિત સૌરાષ્ટ્ર તેમજ કચ્‍છમાં અનેક સ્‍થળે ભાદરવી અમાસ સુધી મેળાઓ યોજાશે જે મેળામાં મનોરંજનની નહીં પણ ભક્‍તિની ભાવના સદીઓથી રહેલી છે.(૩૮.૧૦)

ભાદરવામાં કયા સ્‍થળે મેળા યોજાતા હોય છે?

ઐતિહાસિક ધર્મસ્‍થાન  સ્‍થળ

૧.રફાળેશ્વર મહાદેવ   મોરબી

૨.તરણેતર મહાદેવ    તરણેતર, થાનગઢ પાસે

૩.નિષ્‍કલંક મહાદેવ ભાવનગર પાસે દરિયો.

૪.શિરેશ્વર મહાદેવ ખંભાળિયા

૫.ગોપનાથ મહાદેવ  ભાવનગર

૬.મોમાઈ માતાજી ભેડિયાડુંગર, ભૂજ પાસે

૭.નકલંક રણુજા મંદિર        કાલાવડ પાસે

૮.ખોડિયાર માતાજી   ડાકણિયા ડુંગર, ભાયાવદર

૯.પીંડતારક ક્ષેત્ર  પીંડારા,જિ.દ્વારકા

૧૦.માત્રી માતાજી ઓસમડુંગર, પાટણવાવ

૧૧. અંબાજી        અંબાજી, બનાસકાંઠા

(આ ઉપરાંત અનેક સ્‍થળે ભાદરવા માસમાં મેળા યોજાય છે.)

(10:24 AM IST)