તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 26th August 2025
આરટીઓ સર્વરમા ડખ્ખોઃ આરસી બુક-લાઈસન્સમાં મોબાઈલ નંબર અપલોડ ન થતા હોવાની ફરિયાદો
લાઇસન્સની કોઇ પણ કામગીરી કરતી વેળા પોતાના પુરાવા ટ્રેકિંગ કરી શકાતા નથી : ઓનલાઇન નંબર ઉમેરવા, સુધારવા વાહનવ્યવહાર વિભાગ તરફથી જનરલ મેસેજ કરાયા છે

અમદાવાદ તા.૨૬: એક તરફ વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહન અને લાઇસન્સના પુરાવામાં ઓનલાઈન નંબર ઉમેરવા અથવા સુધારવા માટે લોકોને મોબાઈલ પર જનરલ મેસેજ કરાયા છે. ત્યારે વાહનની RC બૂક અને લાઇસન્સના સર્વરમાં ટેકનિકલ એ૨૨ના કારણે મોબાઇલ નંબર ઓનલાઇન અપલોડ થતા નથી. સમગ્ર રાજ્યની RTO કચેરીમાં ઓનલાઈન કામગીરીના ઠેકાણા નથી છતાં કોઈ સુધારા કે વ્યવસ્થા જ કરાતી નથી.
હાલની તારીખમાં ઘણા રજિસ્ટ્રર વાહનોમાં વાહનમાલિકોના મોબાઇલ નંબર અપલોડ જ નથી. આવી જ રીતે વાહનના લાઇસન્સમાં પણ સંબંધિત લાઇસન્સધારકનો ફોન નંબર અપલોડ હોતો નથી. જેના લીધે વિભાગ પાસે સીધો સંપર્ક કરવાનો કોઈ સોર્સ નથી. જ્યારે અરજદાર વાહન કે લાઈસન્સની કોઈ પણ કામગીરી કરતી વેળા પોતાના પુરાવા ટ્રેકિંગ કરી શક્તો નથી. હકીકતમાં તો વાહન રજિસ્ટ્રેશન કે ટ્રાન્સફર કરતી વેળા તેમજ કાચાં લાઈસન્સની પ્રોસેસ કરતી વખતે અરજદારે પોતાનો મોબાઈલ નંબર નાંખવો ફરજિયાત છે. આમ છતાં અરજદારો મોબાઈલ નંબર લખાવતા નથી. સૂત્રોએ કહ્યું કે, એજન્ટો પાસે કામ કરાવતા હોવાથી વાહન અને લાઇસન્સનું કામ કરનાર એજન્ટ પોતાના અથવા તો કેટલાક કિસ્સામાં ખોટા મોબાઈલ નંબર નાખતા હોય છે. જેની સામે અરજદાર વાંધો પણ લેતા નથી.
આ બાબત વાહનવ્યવહાર વિભાગના ધ્યાનમાં આવતાં હવે તમામ વાહન માલિકો અને લાઈસન્સધારકોને પોતાના પુરાવામાં મોબાઈલ નંબરની ઓનલાઈન નોંધ કરાવી લેવા મેસેજ કરાયા છે. આ મેસેજ વાંચી ઘણાં લોકોએ પોતાની રીતે વાહન અને લાઈસન્સના પુરાવા સબમિટ કર્યા પછી ઓનલાઈન મોબાઇલ નંબર રજિસ્ટ્રેશન કરવા પ્રયાસ કર્યો હતો પણ થતો નથી. ઓનલાઇન મોબાઈલ નંબર નાખવાની સરળ પ્રોસેસ નહીં હોવાના કારણે લોકો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવી શકતા નથી. આથી આરટીઓમાં પુરાવા લઈને આવનારી વ્યક્તિને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરી આપવાની સુવિધા ઊભી કરવા માગ ઊઠી છે. જો આજ કામ એજન્ટને પાસે કરાવાય તો રૂપિયા ૨૦૦થી ૩૦૦નો ખર્ચ થાય. એટલે ઘણા લોકો ઓનલાઈન મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવવાનું ટાળી રહ્યા છે.(૩૮.૧૩)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
