News of Tuesday, 26th August 2025
નવરાત્રિ કે દિવાળીઃ ટૂંકમાં સારા સમાચાર આવશેઃ ગણેશજીને પ્રાર્થના કરોઃ પાટીલ
આપણે નજીકના ભવિષ્યમાં બે વખત મળીશું, નવા અધ્યક્ષ અને મંત્રીઓ પણ હશે ભાજપની બેઠકમાં પાટીલની વાતથી પદવાંચ્છુઓમાં સળવળાટ

અમદાવાદ તા.૨૬: ગુજરાતમાં ભાજપના નવા પ્રમુખના ઉમેદવાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્ત્વ હેઠળની સરકારના મંત્રીમંડળમાં ફેરફાર, વિસ્તરણની લાંબા સમયથી ચાલતી અટકળોનો હવે અંત આવી શકે છે એવા સંકેત ખુદ કેન્દ્રીય જળશક્તિમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વધુ એક વખત આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગમનના ગણતરીના કલાકો પહેલાં જ વડાપ્રધાનના ૭૫મા જન્મદિન સેવા પખવાડિયા તરીકે ઉજવવાના કાર્યક્રમો નક્કી કરવા માટે સોમવારે બપોરે પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં પાટીલે હળવા મૂડમાં કહ્યું કે, આપણે જલ્દીથી બે વખત મળીશું! નવા અધ્યક્ષ અને મંત્રીઓ માટે. પણ જેમનો ચાન્સ લાગવાનો છે એ સહિત સૌ કાર્યકર હાલ ગણેશજીને પ્રાર્થના કરે! મને લાગે છે કે ટૂંકમાં સારા સમાચાર આવવાના છે!.
છેલ્લા કેટલાય સમયથી ભૂપેન્દ્રભાઇ પટેલની એકાએક નવી દિલ્હીની મુલાકાત, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળીને ચર્ચા કરવી, સંગઠન ચૂંટણીના પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું અડધી રાતે આગમન અને વહેલી સવારે પાછુ દિલ્હી જવું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું રક્ષાબંધન પર્વે દોઢ દિવસ પોતાના નિવાસસ્થાને જ રહીને મંથન વગેરે ગતિવિધિઓએ કાર્યકરોમાં નવા પ્રમુખની વરણી અને મંત્રીમંડળમાં ફેરફાર, વિસ્તરણની અટકળોને તેજ કરી છે. જોકે, છેલ્લા સાત મહિનાથી આ અટકળો હજુ સુધી સાચી ઠરી નથી. ત્યાને પાટીલે આપેલા સંકેતથી ધારાસભ્યોમાં ભારે ઉત્તેજના જોવા મળી છે.
જિલ્લા પ્રમુખો, પ્રભારી, ધારાસભ્યો, સાંસદોની બેઠકમાં પાટીલે બેઠકમાં કહ્યું કે, 'થોડા સમયમાં જ સારા સમાચાર આવવાના છે. હાલ એની પ્રક્રિયા ચાલી રહી છે. પાટીલના સંકેત પછી હવે નવા પ્રદેશ પ્રમુખની વરણી નવરાત્રિ પહેલાં થઈ જાય અને વિસ્તરણનો ગંજીપો દિવાળી પહેલાં થાય એવી શક્યતા જોવાઈ રહી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
