News of Tuesday, 26th August 2025
સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસે તાપી નદીમાંથી રેતી ખનન નો મોટાપાયે ચાલતો વેપલો
સૂર્યપુત્રી તાપી નદી માંથી લૂંટાઈ રહ્યું છે કરોડો રૂપિયાનું ખનીજ, જવાબદાર કોણ ? નીચેથી ઉપલા લેવલ સુધી મહિને લાખો રૂપિયાનો વ્યવહાર ? તાલુકામાં ચાલતી ચર્ચા મુજબ આ લિઝ પર છેલ્લા 15 દિવસમાં લાખો રૂપિયાનો તોડ થયો.? કોણે કર્યો..? રોજની અસંખ્ય ટ્રકોમાં રેતી ખનન કરી રોજના લાખો રૂપિયાની રોયલ્ટીની થતી ચોરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીમાંથી રેતી ખનન નો વેપલો મોટાપાયે ચાલી રહ્યો છે.ખનીજ સંપત્તિના ચોરટાઓ રેતી ખનન કરીને સરકારને લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા છે, છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ચુપકીદી સેવી માત્ર તમાશો જોઈ રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે.તેની પાછળનું કારણ શું હપ્તા છે.?
આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામ પાસેથી વહેતી લોકમાતા સૂર્યપુત્રી તાપી નદીના કિનારે નદીમાંથી અત્યાધુનિક સાધનો અને મશીનોનો ઉપયોગ કરીને બિન્દાસ્તપણે રાતદિવસ બેરોકટોક આડેધડ રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવા છતાં નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા અહીં ખનન સંપત્તિના ચોરટાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તે
તાપી નદીના રેતી ચોર માફિયાઓની નજર હવે સાગબારા તાલુકામાંથી પસાર થતી લોકમાતા સૂર્યપુત્રી પર પડી છે. ખનીજ સંપત્તિના ચોરો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના છુપા આશિર્વાદથી ગેર કાયદેસર રેતી ખનન કરતા જોવા મળી રહ્યા છે.ત્યારે સ્થાનિક કક્ષાએ આવેલા અધિકારીઓ પણ અહીં વહેતી ગંગા નહીં પરંતુ વહેતી તાપી નદીમાં હાથ ધોઈ રહ્યા હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું છે.જો કે તે એક તપાસનો વિષય બન્યો છે. નિઝર, કુકરમુંડા તાલુકામાંથી પસાર થતી લોકમાતા તાપી નદીના કિનારે ચાલતી કેટલીક કાયદેસરની લીઝો આવેલી છે ત્યારે ગેરકાયદેસરની લીઝ ચલાવનારા તત્વો તાપી નદીના કિનારે કોઇપણ જાતની સરકારી લિઝની પરવાનગી વગર હવે સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામેથી રેતી ઉલેચી રહ્યા છે તે પણ ધોળે દિવસે અને મોડી રાત સુધી આધુનિક મશીનો દ્વારા રેતી ઉલેચી અસંખ્ય ટ્રકો મારફતે ઓવરલોડ ભરીને નર્મદા, ભરૂચ, સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રાજ્ય બહાર સપ્લાય કરીને સરકારને લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાનો ચુનો ચોપડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.
આ મોટી દેવરૂપણ ગામ પાસે ચાલતી ગેરકાયદેસર લિઝ બાબતે કેટલાક આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અહીં છેલ્લા 15 દિવસમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. પરંતુ આ તોડ કોણ કોણ કરી ગયા અને ક્યાં ક્યાં થી આવી ને કરી ગયા તે તપાસ નો વિષય છે. લાખો રૂપિયાનો તોડ કરતાં આ ગેરકાયદેસર લીઝ ચાલતી હોય તો શું સમજવું ? શુ આમ તાલુકા મથકે થી લઈને જિલ્લા સુધીના અધિકારીઓની સંડોવણી કહી શકાય ? તાલુકામાં ગેરકાયદેસર રીતે લીઝ ચાલતી હોય અને ખાણ ખનીજ વિભાગ ને તેની જાણ શુદ્ધા ન હોય તે કઈ રીતે માનવામાં આવે.આધુનિક મશીનો તાપી નદીમાં ઉતારીને મોટી મોટી નાવડીઓ થકી દિવસરાત તાપી નદીના તટ પર રેતી ઉલેચવાનો ધીકતો ધંધો પુજોશમાં ચાલતો હોય મોટી દેવરૂપણ ગામના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
અહીંના રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે ઓવરલોડ ટ્રકોની અવરજવર ના કારણે મુખ્ય માર્ગથી રેતીની લીઝ સુધી જેસીબી દ્વારા રસ્તો બનાવવામાં આવ્યો છે. જેના માટે નાના નાના પહાડો ખોદી નાખવામાં આવ્યા છે.દિવસ રાત દોડતી ઓવરલોડ રેતી ભરેલ ટ્રકોને કારણે રસ્તાઓ તૂટી ગયા છે, ત્યારે આ રેતી માફિયાઓ દ્વારા લૂંટવામાં આવી રહેલા કરોડો રૂપિયાના ખનીજ માટે જવાબદાર કોણ? તંત્રના અધિકારીઓની મિલીભગતથી રેતી ખનન કરી સરકારી તમામ નિતી નિયમોના લિરેલીરા ઉડી રહ્યા છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.તમામ નીતિ નિયમો નેવે મૂકી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પોતાના ખિસ્સા માં હોય તેવો રોફ રેતી ચોરો બતાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.ત્યારે ગાંધીનગર ખાતે થી આ બાબતે ગંભીરતા થી તપાસના આદેશ આપે તો અહીં તાપી નદીના કિનારે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ભ્રષ્ટાચાર સામે તપાસનો રેલો રેતી ચોરો સહિત કેટલાય અધિકારીઓને ભરખી જાય તો નવાઈ નહિ. ત્યારે હવે જોવું રહ્યું કે ગાંધીનગર ખાતે બિરાજેલા આકાઓ આ બાબત ને કેટલી ગંભીરતાથી લે છે.
આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અહીં ચાલતી રેતી ખનન ની ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળી જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓને પ્રવેશવા સામે પ્રતિબંધ મૂકી દેવાયો છે. રેતી ભરવા આવતી ટ્રકોમાં પણ ડ્રાઈવર ક્લીનર સાથે ત્રીજી વ્યક્તિને પણ અહીં પ્રવેશવા દેવામાં નથી આવતી ત્યારે અહીં કોઈ વાંધાજનક વ્યક્તિને જવા દેવામાં નથી આવતો.તેને બહાર જ રોકી દેવાય છે. અને કયા જવું છે ? કોનુ કામ છે? શું કામ આવ્યા છે? કોણે બોલાવ્યા છે કે પછી કોણે મોકલ્યા છે જેવા ઘણા સવાલો કરાય છે.ત્યારે જો આ લીઝ કાયદેસરની જ હોય તો પછી આમ લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ અને હજારો સવાલ શા કારણે ? અને આ પ્રતિબંધ કોના ઈશારે મૂકાયો તે પણ એક સવાલ ઉભો થાય છે
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
