News of Wednesday, 27th August 2025
જિલ્લા પંચાયતમાં ‘આપ'નો નગારે ઘાઃ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પ્રારંભ
ઇતની શકિત હમે દેના મતદાતા, વિજય કા વિશ્વાસ કમજોર હો ના... : આમ આદમી પાર્ટીએ દાવેદારો પાસેથી વોટસએપથી માહિતી મંગાવીઃ ર૦ બેઠકો પર નોંધપાત્ર કામ પૂર્ણઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી પંચાયતમાં ત્રિપાંખીયા જંગના એંધાણ

રાજકોટ તા. ર૭ :.. ગુજરાતમાં ૩ર જિલ્લા પંચાયતો, ર૩૧ તાલુકા પંચાયતો અને ૧પ મહાનગરપાલિકાઓની ચૂંટણી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવવા પાત્ર છે. રાજયમાં વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણી જીતીને જોરમાં આવી ગયેલ આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂંટણીઓ લડવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના સબંધો હાલની સ્થિતિ મુજબ યથાવત રહે તો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ થવાનું નિヘતિ છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં ‘આપ' દ્વારા ઉમેદવાર પસંદગી પ્રાથમિક પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અનામત બેઠકોનો વિસ્તાર જાહેર થાય પછી ઉમેદવારોનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ધારાસભાની ર૦રર ની ચૂંટણીમાં જસદણમાં લડીને રાજકીય સમીકરણ બદલી નાખનાર અને ર૦ર૭ માં એ જ ધારાસભા બેઠક લડવાની તૈયારી કરી રહેલા પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી તેજસ ગાજીપરાના વડપણમાં તાલુકા-જિલ્લા પંચાયતોની ધીંગી તૈયારી થઇ રહી છે.
આમ આદમી પાર્ટી દ્વારા પંચાયતની જે તે બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છતા કાર્યકરો પાસેથી વોટસએપમાં નિયત ફોર્મ દ્વારા અરજી મંગાવામાં આવેલ. હાલ કઇ બેઠક કયા પ્રકારની અનામત તે જાહેર થયુ ન હોવાથી તમામ બેઠકોમાં સામાન્ય વર્ગ અને અનામત વર્ગના ઉમેદવારોની યાદી બનાવવામાં આવી રહી છે. ર૦ બેઠકોનું પ્રાથમિક કામ પૂર્ણ થયું છે. આવેલ અરજીઓના આધારે પાર્ટીના સ્થાનિક આગેવાનો પસંદગીના નામ સૂચવશે. દાવેદારો વચ્ચે બેઠક યોજી શકય તેટલી સર્વાનુમતીથી નામ પસંદ કરવાનો પ્રયાસ થશે. ર૦ સિવાઇની બાકીની ૧૬ બેઠકો માટે ઇચ્છુકો પાસેથી માહિતી મેળવવાડી પ્રક્રિયા ચાલુ છે. હાલ દરેક બેઠક માટે ૩ થી પ દાવેદારે થાય છે. કઇ બેઠક પર કયા વર્ગના કાર્યકર લડી શકે તે રોટેશન વિસ્તાર જાહેર થયા પછી સ્પષ્ટ થશે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતવા તળિયેથી કામ ઉપાડયું છે. વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક, સભા દ્વારા લોકોના પ્રશ્નો જાણી વાચા આપવા પ્રયાસ થઇ રહ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. કોંગ્રેસ વિપક્ષમાં છે. આ વખતે આમ આદમી પાર્ટીએ સારી આશાથી ચૂંટણીલક્ષી કામગીરીના શ્રીગણેશ કરી દિધા છે. ત્રિપાંખીઓ જંગ થાય તો કયાં કોને કેટલા ફાયદો કે નુકશાન? તે તો સમય જ બતાવશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
