<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

જસ્‍ટીસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઇકોર્ટના એડવોકેટો કામકાજનો બહિષ્‍કાર કરશે : હાઇકોર્ટના વકીલોને રાજકોટ બાર એસો.નો ટેકો

સી.સી.ટી.વી લગાવવાના હુકમથી વિવાદમાં આવેલ જસ્‍ટીશ સંદિપ ભટ્ટને વકીલોનું જબરૂ સમર્થન...

અમદાવાદ, તા.૨૭: ગુજરાત હાઇકોર્ટની રજિસ્‍ટ્રીના દરેક ખૂણામાં, દરેક ટેબલ, હાઇકોર્ટના કોરિડોર તેમ જ અગત્‍યના સ્‍થાનો પર સીસીટીવી લગાવવા અંગેનો હુકમ કરનાર હાઈકોર્ટના જસ્‍ટિસ સંદીપ એન.ભટ્ટની પ્રસ્‍તાવિત બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્‍સ એસોસીએશન દ્વારા આજથી કોર્ટ કામકાજથી અળગા રહેવાનું એલાન આપવામાં આવ્‍યું છે ત્‍યારે રાજકોટ બાર એસો. દ્વારા એલાને ટેકો આપેલ છે.

વર્ષ ૨૦૨૩ના અંતમાં ખુદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જ જારી કરાયેલા આદેશનું હજુ સુધી પાલન નહી થતાં હાઈ કોર્ટના જસ્‍ટિસ સંદીપ એન.ભટ્ટે રજિસ્‍ટ્રાર(આઈટી) અને સંબંધિત અધિકારીઓની આદેશના પાલનમાં અવરોધ ઉભો કરવાની અને સમગ્ર પ્રક્રિયા વિલંબિત કરવાની પ્રક્રિયાને રેડ ટેપીઝમ ગણાવી હતી અને આલોચના કરી હતી. જસ્‍ટિસ ભટ્ટના આ હુકમને હાઇકોર્ટ (રજિસ્‍ટ્રાર જનરલ) દ્વારા જસ્‍ટિસ સંદીપ એન.ભટ્ટના આ હુકમને એલપીએ મારફતે હાઈ કોર્ટની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્‍યો હતો, જેમાં ખંડપીઠે જસ્‍ટિસ સંદીપ ભટ્ટનો હુકમ રદબાતલ ઠરાવાયો હતો. ગઈકાલે મોડી સાંજ સુધીમાં તો આ વિવાદ વચ્‍ચે જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા. સુપ્રીમકોર્ટે જુદી જુદી હાઈકોર્ટના જે ૧૧ જજીસની સૂચિત બદલી પ્રસ્‍તાવિત કરી છે, તેમાં હાઈકોર્ટના જસ્‍ટિસ સંદીપ ભટ્ટ અને જસ્‍ટિસ માનવેન્‍દ્રનાથ રોયનો પણ સમાવેશ થાય છે.

જસ્‍ટિસ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટ એડવોકેટ્‍સ એસો.ની બેઠક મળી હતી. જેમાં જસ્‍ટિસ સંદીપ ભટ્ટની બદલીનો ઉગ્ર વિરોધ કરી હડતાળની માંગણી કરાઇ હતી. બેઠકમાં આ સમગ્ર મામલે સુપ્રીમકોર્ટ અને કોલેજીયમના સભ્‍યો સમક્ષ રજૂઆત કરવા માટે એસોસીએશનના પ્રમુખ, સિનિયર એડવોકેટ ભાર્ગવ ભટ્ટ, અસીમ પંડયા, દીપેન દવે, હાર્દિક બ્રહ્મ ભટ્ટ, બી.એમ.મંગુકીયા સહિત છ સભ્‍યોની કમીટીની રચના પણ કરાઈ હતી., જેઓ આગામી દિવસોમાં આ મામલે રજૂઆત કરી સભ્‍યોની માંગણી રજૂ કરશે.

અમદાવાદ બાદ રાજકોટ બાર એસો. દ્વારા સર્વાનુંમતે ઠરાવવામાં આવે છે કે, ગુજરાત રાજયના જસ્‍ટીસશ્રી સંદિપ એન. ભટ્ટની બદલી ગુજરાત હાઈકોર્ટમાં આંતરિક રાજકારણ અને જૂથવાદ અંગે કરેલ હોય તેવું માનવાને કારણ હોય જેની અસર જયુડીસ્‍યરીની ગરીમાને લાંછન લાગે તેવી હોય જેથી તેઓની બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રિમ કોર્ટના કોલેજીયમ સમક્ષ રજુઆત કરવા તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્‍ટીસ અને કોલેજીયમના સભ્‍યો સમક્ષ રજુઆત કરવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવે છે.

ગુજરાત હાઈકોર્ટ બાર એશોસીએશન દ્વારા આજરોજ જે ઠરાવ કરેલ છે તેને રાજકોટ બાર એશોસીએશનનો સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. તેમ રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઇ મારૂએ જણાવ્‍યું છે.(૨૩.૧૭)

(12:51 PM IST)