તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 27th August 2025
ભાજપના વધુ એક આગેવાનનો લેટર બોમ્બ !
કપડવંજના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભાજપમાં નિરાશા અને દુઃખ અનુભવવાની પત્ર દ્વારા લાગણી વ્યક્ત કરી

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા. ૨૭ કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ ડાભીએ પાર્ટીથી નારાજ હોવાનો પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે.
કનુભાઈ ડાભી ગઈકાલે લખેલા લેટરમાં જણાવ્યા મુજબ મારા જાહેર જીવનમાં બે દાયકા કરતા વધારે સમયથી હુ ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું પાર્ટીના વિચારો અને કાર્યપદ્ધતિ પ્રત્યે મને હંમેશા ગૌરવ અને આદર રહ્યો છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે મારા પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા અને સન્માન જળવાતું નથી અને સતત મારી અવગણના કરવામાં આવે છે મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ રજૂઆતો તેમજ વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાથી હું મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું અને આ પરિસ્થિતિને કારણે મને વિચારવા મજબૂર કર્યો છે.
તેમણે પત્રના અંતમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ભાજપમાં પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે જ્યારે વર્ષોથી જે લોકો પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના કરવામાં આવે છે જુના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર કરવામાં આવતી નથી આમ છતાં હું ૨૪થ૭ પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ.
પૂર્વ ધારાસભ્યના આ લેટર બોમ્બથી ભાજપમાં અંદરખાને સફળ ડખલ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલે પણ લોકોના કામો ન થતા હોવાનું અને જરૂર પડશે તો હું પણ લોકો સાથે આંદોલનમાં જોડાઈશ તેવું મુખ્યમંત્રીને જણાવ્યું હતું આ ઉપરાંત બીજા પણ પક્ષના આગેવાનો દ્વારા જાહેરમાં કે અંદરખાને પાર્ટીથી નારાજ હોવાનો બળાપો વ્યક્ત કર્યો છે ત્યારે કનુભાઈ ડાભીના લેટર બોમ્બે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
