<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

૧૯૭૩માં પણ આટલું પાણી નહોતું આવ્યું, સાબરમતીના પાણીએ સર્જી તારાજી

ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં રહેતા વડીલે કહ્યુંઃપાણીમાં ઘરની બધી વસ્તુઓ પલળી ગઈ છે, અનાજ તો ઠીક ગોદડા, કપડાં પણ પલળી ગયા છ:લોકો પરેશાન

ખેડા, તા.૨૭

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતમાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા મળ્યું છે. ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં તબક્કાવાર રીતે નદીમાં પાણી છોડવામાં આવ્યું, જેના લીધે અમદાવાદમાં પણ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા મળ્યું અને રિવરફ્રન્ટ ખાતે વેકવે પર પાણી ફરી વળ્યા હતા. પરંતુ હાલ રાજ્યના ખેડા જિલ્લામાં સાબરમતીના નદીના પાણી ફરી વળતાં ભારે નુકસાની પહોંચી છે. ખેડા જિલ્લાના સાબરમતી કાંઠાના ગામડાઓમાં કેડસમા પાણી ભરાતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગામના વડીલોનું કહેવું છે કે, અગાઉ વર્ષ ૧૯૭૩માં આવેલા પૂર કરતાં પણ ખરાબ સ્થિતિ આ વખતે સર્જાઈ હતી.

ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં રહેતા એક વડીલે જણાવ્યું કે, પહેલા તો જાણ થાય એટલે અમે બધી વસ્તુઓ ઉપર ચડાવી દેતાં હતા, પરંતુ આ તો પહેલી વખત આટલું પાણી આવ્યું છે. ૧૯૭૩માં આટલું પાણી નહોતું, જેટલું આ વખતે આવ્યું છે. ઘરમાં કેડસમા પાણી ભરાયા હતા. ઘરમાં રહેલી અનાજ સહિતની વસ્તુઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ છે.

રસિકપુરા ગામના એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે, પાણીમાં ઘરની બધી વસ્તુઓ પલળી ગઈ છે. અનાજ તો ઠીક ગોદડા, કપડાં પણ પલળી ગયા છે. પાણી જ ઓચિંતુ આવ્યું હતું.

ગામજનોનું કહેવું છે કે, અચાનક પાણી આવ્યું હતું. પાણી ઘૂસી જતાં બધી વસ્તુઓ પલળી ગઈ છે. અનાજ, કપડાં, ઈલેક્ટ્રીકની બધી વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે. ઘરે કોઈ છોકરા નથી એટલે મદદ માટે પણ કોને બોલાવીએ.

નોંધનીય છે કે, ખેડામાં સાબરમતીના પાણીએ તારાજી સર્જી છે. રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં જવા માટે ટેકટરનો સહારો લેવો પડ્યો છે. ગામમાં હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી. શાકભાજી, ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકશાનની ભીતિ છે.

(8:07 PM IST)