<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

સુરતમાં ચપ્પુના આઠ ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા

પૈસાની લેવડદેવડમાં બન્યો સનસનીખેજ બનાવઃબનાવ સમયે આરોપી વિપુલ વાળાએ ભોગ બનનાર વિપુલ નકુમને ચપ્પુ વડે એક પછી એક સાતથી આઠ ઘા ઝીંકી નાખ્યા હતા

સુરત,તા.૨૭

સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં મોડીરાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર, પુણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટી નજીક રહેતા ૩૮ વર્ષીય વિપુલભાઈ ભુરાભાઈ નકુમની તેના જ વતનના યુવકે પૈસાની લેવડદેવડ બાબતે આ રીતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જે ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ, મૂળ ભાવનગરના રહેવાસી અને હાલ સુરતના વિક્રમનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા વિપુલ નકુમ ગાડીની ખરીદી–વેચાણના વ્યવસાય સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના નાનાભાઈ વ્યવસાયે ડૉક્ટર છે. ઘટના સમયે વિપુલભાઈ મોડીરાત્રે સીતારામ સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના જ વતનના યુવક વિપુલ શંભુભાઈ વાળા તેમની ઉપર તૂટી પડ્યો હતો.

બનાવ સમયે આરોપી વિપુલ વાળાએ ભોગ બનનાર વિપુલ નકુમને ચપ્પુ વડે એક પછી એક સાતથી આઠ ઘા ઝીંકી નાખ્યા હતા. જેથી ગંભીર ઘા લાગતાં વિપુલ નકુમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હુમલા બાદ આરોપી વિપુલ વાળા ફરાર થઈ ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતા જ આસપાસના સ્થાનિક લોકોની ટોળા એકઠા થયા હતા અને બાદમાં પોલીસને જાણ કરાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ડી.સી.પી. અને એ.સી.પી. કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી. જ્યાં પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક અને આરોપી વચ્ચે રૃપિયાની લેવડદેવડ બાબતે ઝઘડો ચાલતો હતો, જેને કારણે ગુસ્સામાં આવી આરોપીએ આ હત્યાને અંજામ આપ્યો હતો.

હાલ આ ઘટના મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીની શોધખોળ શરૃ કરી દીધી છે. આરોપીને ઝડપી પાડવા માટે અલગ–અલગ ટીમો રચાઈ છે અને આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતી DCP આલોક કુમારે આપી છે

(10:33 PM IST)