તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th August 2025
સોમનાથ-રાધનપુર રૃટ પર ચાલતી બસના કંડક્ટરની દાદાગીરી સામે આવી
જાહેર પરિવહનમાં અસુરક્ષાનો અહેસાસઃબસ મોડી આવવા અંગે તેમણે કંડક્ટરને પૂછપરછ કરતાં કંડક્ટરે ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને અપશબ્દો બોલ્યા હતા

પાટણ, તા.૨૭
પાટણ જિલ્લાના સોમનાથ-રાધનપુર રૃટ પર ચાલતી બસના કંડક્ટરની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાંતલપુરના ડાલડી ગામના ત્રણ વિદ્યાર્થીઓને બસ કંડક્ટર દશરથ ચૌધરીએ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, બસ મોડી આવવા અંગે તેમણે કંડક્ટરને પૂછપરછ કરતાં કંડક્ટરે ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનો ટી-શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો હતો, જે કંડક્ટરની ગેરવર્તણૂકનું સ્પષ્ટ ઉદાહરણ છે.બસ જેવા જાહેર પરિવહનના સાધનમાં મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બનવી અત્યંત ચિંતાજનક છે. આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન હતો કે બસ નિયમિત સમય કરતાં શા માટે મોડી ચાલી રહી છે, અને આ સામાન્ય પ્રશ્નના જવાબમાં કંડક્ટર દ્વારા આટલો હિંસક વ્યવહાર શા માટે કરવામાં આવ્યો? આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય મુસાફરોમાં પણ અસુરક્ષાનો ભાવ પેદા થાય છે અને જાહેર પરિવહન સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ ઓછો થાય છે.
આ ઘટના બાદ ત્રણેય વિદ્યાર્થીઓએ તાત્કાલિક રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે અને આરોપી કંડક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની માંગ છે કે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ મુસાફરને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવા તત્વોને કાયદાનો ભય રહેશે અને જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકશે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
