<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ભગવાન ગણેશજીની મૂર્તિઓની કિંમતમાં ૨૦% ભાવવધારો!

ઘાટ કરતાં ઘડામણ મોંઘું: દેખાદેખીમાં ઘરમાં સ્‍થાપિત થતાં શ્રીજીના શણગાર પાછળ હજારોનો ખર્ચઃ ડેકોરેશનનું કરોડોનું ટર્નઓવર : ઘરમાં સ્‍થાપિત કરી શકાય એવી એકથી અઢી ફૂટની પ્રતિમાઓના ભાવ ૨૫૦૦ થી માંડીને ૧૫૦૦૦ સુધી પહોંચ્‍યા

 

અમદાવાદ,તા.૨૮: બુધવારથી ગણેશોત્‍સવનો દસ દિવસનો પવિત્ર તહેવાર શરૂ થવાનો છે, ત્‍યારે માર્કેટમાં શ્રીજીની મનમોહક મૂર્તિઓ અને વિવિધ પ્રકારના ડેકોરેશનનું વેચાણ શરૂથઈ ગયું છે.ઘર અને સોસાયટીઓમાં ગણેશજીની વાજતેગાજતે સ્‍થાપના કરવા માટે તેમના નાના-મોટા મંડપ અને ડેકોરેશન માટેની વિવિધ વસ્‍તુઓના વેચાણનો માહોલ પણ જામ્‍યો છે. ગણેશ સ્‍થાપના માટેના તૈયાર ડેકોરેશન સેટ-અપના વેચાણના ટ્રેન્‍ડની ધૂમ જોવા મળી રહી છે. સાથે સાથે મૂર્તિઓ અને ડેકોરેશનના કિંમતોમાં પણ ૨૦ ટકા જેટલો ધરખમ ભાવવધારો થયો છે. ગત વર્ષે જે નાની મૂર્તિઓ ૨૦૦૦ની મળતી હતી, એ અત્‍યારે ૨૫૦૦માં વેચાઈ રહી છે. અને ૪૦૦૦ વાળી પ્રતિમાઓના ૫૧૦૦ બોલાઈ રહ્યા છે. એવી જ રીતે તૈયાર ડેકોરેશન સેટ જે ૪૦૦૦માં મળતું હતું એના ૫૦૦૦ થઈ ગયા છે..! દર વર્ષે ગણેશોત્‍સવની ઉજવણીમાં જોવા મળતું વેપારીકરણ શ્રદ્ધા અને ભાવભક્‍તિના તહેવારને કંઈક અલગ રંગ આપતું હોય તેવું પણ જણાય છે.

લાલ દરવાજા, ભદ્ર, ગુલબાઈ ટેકરા, વષાપુર, હાટકેશ્વર, સીટીએમ, ખોખરા, નિકોલ-નરોડા, અખબાર નગર, ગોતા ઉપરાંત અડાલજ અને ગાંધીનખર ખાતે ગણેશજીની આહ્‍લાદક પ્રતિમાનું વેચાણ કરતાં શામિયાણા ધમધમી રહ્યા છે આ વર્ષે વરસાદનું જોર જોતાં ભાવિક ભક્‍તે પહેલાથી પ્રતિમાની પસંદગી કરીને બુકિંગ કરી રહ્યા છે અને કેટલાક ભક્‍તો તો મૂર્તિઓની ખરીદી કરીને વરસાદથી રક્ષણ માટે એને અત્‍યારથી જ ઘરમાં સુરક્ષિત રીતે મુકી રહ્યા છે. ગોતા વિસ્‍તારના વેપારી સનીભાઈએ જણાવ્‍યું હતું કે, 'દોઢ ફૂટથી અઢી ફૂટની પ્રતિમાઓ સૌથી વધુ વેચાય છે અને ઘરમાં સ્‍થાપના માટે માટીની મૂર્તિઓનો ટ્રેન્‍ડ જ ચાલે છે. મુંબઈની બનાવટ અને ડિઝાઈનની મૂર્તિઓનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. આ મૂર્તિઓ ટ્રાન્‍સપોર્ટના માધ્‍યમથી અમદાવાદમાં આવે છે અને વિવિધ વેપારીઓના ગોડાઉન સુધી પહોંચે છે. નાની મૂર્તિઓ રૂ. ૧૦૦૦થી લઈને ૨૫૦૦ રૂપિયા સુધીની વેચાઈ રહી છે, જ્‍યારે કે સૌથી વધુ ટ્રેન્‍ડ ૩૦૦૦થી ૫૫૦૦ રૂપિયાની વચ્‍ચે મળતી દોઢથી અઢી ફૂટની મૂર્તિઓનો છે.' વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીના પ્રમાણે ગત વર્ષ કરતાં પ્રતિમાઓનો ભાવ ૨૦ ટકા જેટલો ડિઝાઈનની મૂર્તિઓનો ક્રેઝ ખૂબ વધી

વધ્‍યો છે. ઘરેઘરે ગણેશજીની સ્‍થાપનાનો ક્રેઝ વધ્‍યો છે અને તેની સાથે સાથે સાજ શણગારની વસ્‍તુઓની ડિમાન્‍ડ પણ વધી છે. હાલ અનેક આર્ટિફિશિયલ ફલાવર શોપ્‍સ (હોલસેલ અને રિટેઇલર)ને ત્‍યાં પણ ભક્‍તો ઉમટી પડ્‍યા છે. જેમાં વિવિધ તૈયાર ડેકોરેટિવ ડિઝાઈનની ખરીદી કરવામાં આવી રહી છે. આ તૈયાર ડેકોરેશન પણ ૫૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦૦ રૂપિયા સુધીમાં વેચાઇ રહ્યા છે. જેટલું ગોળ નાખો એટલું ગળ્‍યું થાય એવી ઉક્‍તિને સાર્થક કરતા હાલ આર્ટિફિશિયલ ફલાવર્સ અને ડેકોરેશનની દુકાનોમાં જાતભાતની શણગારની વસ્‍તુઓ વેચાઇ રહી છે. જો જાતે જ ડેકોરેશન કરવું હોય તો છુટક વસ્‍તુઓનું પણ વેચાણ થાય છે. જેમાં આર્ટિફિશિયલ ફૂલોના હાર, પત્તાના તોરણો, કમળના ફૂલ, ડેકોરેટિવ દિવા, રંગબેરંગી પડદા અને લાઇટ્‍સ લોકો ખરીદી કરી રહ્યા છે. એક સમય શહેરમાં જુજ સ્‍થળોએ જાહેરમાં અથવા ઘરોમાં ગણેશજીની સ્‍થાપના થતી અને શ્રદ્ધાપૂર્વક તહેવારની ઉજવણી થતી, પરંતુ હવે તહેવારનું વેપારણીકરણ થતાં માર્કેટમાં કરોડોનું ટર્નઓવર થતાં તેજી પણ જોવા મળે છે. (૪૦.૧૩)

(9:48 AM IST)