<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

સુરતમાંથી નેપાળી સગીરાનું અપહરણ, હૈદરાબાદમાં બે મહિના સુધી પીંખી!

૬ વર્ષ બાદ આંધ્રપ્રદેશથી પકડાયો નરાધમઃદીકરી તકનો લાભ લઈ આરોપી સૈયદ બાશાના કબજામાંથી છટકી ફરી સુરત પરત આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી

સુરત, તા.૨૮

વર્ષ ૨૦૧૯માં નેપાળી બાળકીના કિડનેપિંગ એન્ડ રેપના ચર્ચાસ્પદ કેસનો આરોપી આખરે ૬ વર્ષ બાદ છેક, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાંથી પકડાયો છે. આ આરોપી સૈયદ બાશા ઉર્ફે અમન કાદર (ઉ.વ. ૩૫)એ સુરતમાં કતારગામ વિસ્તારમાં રહેતી નેપાળી પરિવારની સગીર દીકરીને લલચાવી અપહરણ કરી તેની સાથે હૈદરાબાદ લઈ ગયો હતો અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જે છેલ્લા છ વર્ષથી કાયદાની પકડથી દૂર રહેતો હતો. જોકે હવે ૬ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી પાડતા હવે નેપાળી પરિવારને ન્યાય મળશે.

ઓગસ્ટ ૨૦૧૯માં સૈયદ બાશા કતારગામની આંબાતલાવડી પાસે આવેલી સબ-વે નાસ્તાની દુકાન પર કામ કરતો હતો. આ દરમિયાન તેની ઓળખ આ નેપાળી પરિવારની સગીર દીકરી સાથે થઈ હતી. જે બાદે તેને વિશ્વાસમાં લઈ, લલચાવી ફોસલાવીને તેણે દીકરીનું ફોર વ્હિલર ગાડીમાં અપહરણ કર્યું અને તેને હૈદરાબાદ લઈ ગયો હતો. ત્યાં લગભગ બે મહિના સુધી જુદા જુદા સ્થળોએ લઈ જઈ પીડિતાની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

અંતે દીકરી તકનો લાભ લઈ આરોપીના કબજામાંથી છટકી ફરી સુરત પરત આવી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે તપાસ કરતા આરોપી સૈયદ બાશા સુરતમાંથી ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ૬ વર્ષ સુધી આમ ભટકતો રહ્યો હતો. ત્યારે હાલમાં તે પોતાના વતન હૈદરાબાદમાં અનંતપુર જિલ્લાના કદિરી ગામે છુપાયો હોવાનું જાણવા મળતા પોલીસને ટેક્નિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ માધ્યમથી ચોક્કસ માહિતી મળીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ત્યાં મોકલી રેડ પાડીને તેને પોતાના ઘરેથી જ ઝડપી લીધો છે.

આ મામલે કતારગામ ફર્સ્ટ પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(N), ૩૭૬(૨) સાથે POCSO એક્ટ ૨૦૧૨ની કલમ ૪, ૫(L), ૬ હેઠળ નોંધાયેલા ગુનામાં ૬ વર્ષથી ફરાર આરોપીને છેક હૈદરાબાદથી પકડી પાડ્યો છે. જેનું નામ સૈયદ બાશા ઉર્ફે અમન ઉર્ફે જાવેદ અમન અને ઉંમર ૩૫ વર્ષની છે.

જે ગુના સમયે, સુરતના કતારગામ વિસ્તારમાં સબ-વે ફાસ્ટ ફુડ દુકાનની પાસેની અંકુર સ્કૂલ પાસે રહેતો હતો. જે મૂળ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કદિરી તાલુકાનો વતની છે. ત્યારે ૬ વર્ષ બાદ સુરત નેપાળી પરિવારને ફરી એકવાર ન્યાયની આશા જાગી છે.

 

(7:42 PM IST)